અમદાવાદઃ ગુજરાતમાં અસહ્ય ગરમીને લીધે શાળા સંચાલકોએ ઉનાળું વેકેશન લંબાવવાની મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરી છે. ત્યારે ગુજરાતમાં હવે 15મી જુનથી ચોમાસુ બેસી જાય છે. એટલે કે જુનના બીજા સપ્તાહથી પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ જશે. હાલ રાજ્યમાં સરેરાશ તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો થયો છે. ત્યારે રાજ્ય સરકારે ઉનાળું વેકેશન લંબાવવાનો વિચાર માંડી વાળ્યો છે. રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ આગામી તા. 13મીજુનથી થશે. એટલે કે શાળાઓ 13મી જુનથી બાળકોના કોલાહલથી ગુંજી ઉઠશે.
ગુજરાતમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા. અને ગરમીનો પારો 45 ડિગ્રીને વટાવી જતાં રાજ્યના સંચાલક મંડળે મુખ્યમંત્રીને પત્ર લખી શાળાઓનું ઉનાળુ વેકેશન એક સપ્તાહ લંબાવવા માટે લેખિત રજૂઆત કરી હતી. રાજ્યમાં 13 જૂનથી નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થવાનો છે ત્યારે સંચાલક મંડળ દ્વારા 20 જૂન સુધી વેકેશન લંબાવવા માટે ભલામણ કરવામાં આવી છે. પરંતુ ગરમીમાં ઘટાડો થતાં શાળાઓમાં ઉનાળુ વેકેશન લંબાવવામાં આવશે નહીં. 13 જૂનથી શાળાઓમાં વેકેશન ખૂલવાનું છે અને 8થી 15 જૂન દરમિયાન રાજ્યમાં ચોમાસું બેસી જવાની અને વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે તેથી શાળાઓમાં વેકેશન લંબાવવાની સંભાવના નહીંવત્ જોવા મળી રહી છે.
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પણ હજુ સુધી વેકેશન લંબાવવા માટે કોઈ સત્તાવાર પરિપત્ર કરવામાં આવ્યો નથી. હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન ગુજરાત રાજ્ય પ્રિ-મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત વરસાદ વરસી શકે તેવી સંભાવના વ્યક્ત કરી છે. ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની શરૂઆત થઈ છે, જે ચાર દિવસ પછી ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં દસ્તક દેશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, રાજ્યમાં વિધિવત ચોમાસું બેસી જશે. 9 જૂનના રોજ દક્ષિણ અને મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. કેટલાક શિક્ષણવિદો પણ જણાવે છે કે, શિક્ષણ વિભાગે 12 જૂન સુધી ઉનાળુ વેકેશન જાહેર કર્યું હતું. 13 જૂનથી શાળાઓ શરૂ થવાની છે અને ત્યાં સુધીમાં તો વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે તેથી ચોમાસાની શરૂઆત સાથે જ તાપમાનનો પારો ઘટશે તેથી ગરમીને કારણે વેકેશન લંબાવવાની સંભાવના ઓછી જણાય છે.