રસીકરણ અભિયાનઃ દાહોદમાં પ્રથમ દિવસે જ 9472 તરૂણોને રસી આપી સુરક્ષિત કરાયાં
અમદાવાદઃ રાજ્યમાં આજથી 15થી 18 વર્ષના બાળકો માટે કોરોના વેકસિનેશનનો પ્રારંભ કરાયો હતો. દાહોદ જિલ્લામાં વેક્સિનેશનના પ્રથમ દિવસે જ જિલ્લામાં 9472 તરૂણોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. લ ૧૪૩ શાળાઓમાં આ વેક્સિનેશન અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને આ માટે RBSKની 55 ટીમો તેમજ 143 વેક્સિનેટર દ્વારા કામગીરી કરાઇ હતી.
દાહોદમાં તરૂણો માટેના આ નિ:શુલ્ક રસીકરણ અભિયાનનો પ્રારંભ કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ એક કન્યા શાળા ખાતેથી કરાવ્યો હતો અને તેમણે આ વયજુથમાં આવતા તરૂણોને સત્વરે વેક્સિન લઇ લેવા માટે અપીલ કરી હતી. આ દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમાર સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી તા. 8 જાન્યુઆરી સુધીમાં તબક્કાવાર વિવિધ શાળાઓને આવરી લેવામાં આવશે. જયારે આગામી તા. 4 થી તા. 8 દરમિયાન અનુક્રમે વિવિધ શાળાઓને વેક્સિનેશન કાર્યક્રમમાં સામેલ કરાશે. દાહોદમાં 1597, ગરબાડામાં 1181, ધાનપુરમાં 1085, દેવગઢ બારીયામાં 1324, ફતેપુરામાં 455, લીમખેડામાં 968, ઝાલોદમાં 1891, સંજેલીમાં 463 અને સીંગવડમાં 508 તરૂણોને કોરોનાની વેક્સિન આપવામાં આવી હતી.