રસીકરણ અભિયાનઃ પોરબંદરમાં 20 હજારથી વધુ કિશોરોને રસી આપી સુરક્ષિત કરાયાં
અમદાવાદઃ પોરબંદરમાં કોરોનાને નાથવા માટે રસીકરણ અભિયાનને વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. હાલ 15થી 18 વર્ષના કિશોરો કોરોનાની રસી ઉપરાંત ફ્રન્ડલાઈન કોરોના વોરિયર્સને રસીનો બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે. દરમિયાન પોરબંદર જિલ્લામાં અત્યાર સુધીમાં 20 હજાર કિશોરોને રસીનો ડોઝ આપીને સુરક્ષિત કરાયાં છે.
પોરબંદર જિલ્લામાં 15થી 18 વર્ષના કિશોરો-કિશોરીઓને કોરોના પ્રતિરોધક રસી આપવા જુદાં-જુદાં સ્થળોએ કેમ્પ યોજવામાં આવ્યા હતા. જેમા 15થી 18 વર્ષના 20,500થી વધુ કિશોરો-કિશોરીઓ રસી મુકાવીને અન્ય મિત્રોને પણ રસી મુકાવવા અપીલ કરી હતી. આ ઉપરાંત 2.38 લાખથી વધુ 18 થી 44 વર્ષના નાગરિકોએ કોરોના પ્રતિરોધક રસીનો ડોઝ મુકાવ્યો છે. પોરબંદર જિલ્લાના નાગરિકો વહેલી તકે રસી મુકાવી કોરોના સામે સુરક્ષિત રહે તે માટે આરોગ્ય વિભાગ દ્રારા તમામ સ્તરે ઝડપી કામગીરી કરવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજ્યમાં કોરોના રસીકરણ અભિયાન વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. 90 ટકાથી વધારે લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપીને સુરક્ષિત કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત નવ દિવસથી 15-18 વર્ષના કિશોરોને રસી આપવાની કામગીરી કરવામાં આવી રહી છે.
(PHOTO-FILE)