રાજકોટઃ રાજ્યભરમાં કોરોનાના કેસમાં ચિંતાજનકરીતે વધારો તી રહ્યો છે.બીજીબાજુ રાજ્યના 15 વર્ષછી 18 વર્ષની વયના તમામ યુવક-યુવતીઓને કોરોનાની વેક્સિન આપવાનો આવતી કાલે સોમવારથી પ્રારંભ કરવામાં આવશે. તા. 3 થી રાજકોટમાં 80 હજાર બાળકોને વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવશે અને સોમવારે પ્રથમ દિવસે 71 સ્કુલમાં કેમ્પ યોજીને 93 ટીમ દ્વારા રસીકરણ કરવામાં આવશે તેવું રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનના તંત્રવાહકોએ જાહેર કર્યુ હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા પોર્ટલ ઉપર નોંધણી કરાવીને વેક્સિનેશન માટેનો સ્લોટ લેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ રાજકોટ મ્યુનિ.કોર્પોરેશને બાળકોની સરળતા માટે અને સઘન રસીકરણ માટે સ્કુલોમાં જ કેમ્પ કરવા નકકી કર્યુ છે. સોમવારે ગ્રાન્ટેડ, સરકારી અને ખાનગી મળી 71 શાળામાં 93 ટીમો ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશનના આધારે રસીકરણ શરૂ કરશે. આ બાદ અલગ અલગ શાળાઓ, કોલેજો સહિતની શૈક્ષણિક સંસ્થાઓમાં કેમ્પ યોજાશે. રાજકોટ શહેરમાં શાળાએ જતા અંદાજે 76 હજાર જેટલા બાળકો છે. તો શાળાએ ન જતા તરૂણોની સંખ્યા 4 હજાર જેટલી હોવાનો અંદાજ છે. જે માટેનું આયોજન તૈયાર કરાયાનું આરોગ્ય અધિકારી ડો. લલીત વાંઝાએ જણાવ્યું હતું.
રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આવતી કાલે તા. 3-1 સોમવારથી 15 થી 18 વર્ષના બાળકોને કોરોના સામેની વેક્સિન આપવાનો પ્રારંભ કરવામાં આવશે. જેમાં તા. 31-12-2007ના રોજ અથવા તે પહેલા જન્મેલા બાળકોને આ વેક્સિનેશનમાં આવરી લેવામાં આવશે તેમ મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ વેક્સિનેશનમાં કુલ આશરે 80000 જેટલા બાળકોને રસી આપવામાં આવશે. વેક્સિન લેવા આવનાર બાળકોનું સ્થળ ઉપર જ (ઓન ધ સ્પોટ) રજીસ્ટ્રેશન કરવામાં આવશે. બાળકોએ રસી લેવા માટે આધાર કાર્ડ, સ્કુલનું આઈ-કાર્ડ રજુ કરવાનું રહેશે, ઉપરાંત બાળકે પોતાનો અથવા માતા-પિતાનો મોબાઈલ ફોન નંબર આપવાનો રહેશે. આ વેક્સિનેશનમાં કુલ 350થી વધુ શાળાઓ, કોલેજ, આઇટીઆઇ કોલેજના બાળકોને કુલ 400 મેડીકલ ટિમ દ્વારા વેક્સીન આપવામાં આવશે. (file photo)