ગુજરાતમાં કોરોના સામેની વેક્સિનનો સ્ટોક ખલાસ, નવો જથ્થો આવ્યા બાદ વેકસિનેશન કેન્દ્રો શરૂ થશે
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. કોરોના સામે સરકાર પણ લોકોને સાવચેત કરી રહી છે. રાજ્યમાં એક સપ્તાહથી કોરોનાના કેસનો આંકડો 300થી વધુ નોંધાઈ રહ્યો છે. ઘણાબધા લોકો એવા છે. કે, તેમણે કોરોના સામેની વેક્સિનનો બીજો ડોઝ લીધો નથી, ઘણા લોકોએ બુસ્ટર ડોઝ લીધો નથી. આથી કોરોનાના વધતા કેસ જાણીને ઘણા લોકો વેક્સિન માટે વેક્સિનેશન કેન્દ્રો પર આવી રહ્યા છે. ત્યારે રાજ્યના મોટાભાગના કેન્દ્રો પર વેક્સિનનો સ્ટોક નથી. કારણ કે, કોરોના કાળમાં તત્કાલિન સમયે સરકારે વેક્સિનનો પુરતો સ્ટોક મંગાવ્યો હતો. ત્યારબાદ કોરોના કાળ સમાપ્ત થતાં વધેલો વેક્સિનનો જથ્થો આઉટડેટેડ થઈ ગયો હતો. હવે ફરી કોરોનાના કેસો વધી રહ્યા ચે. ત્યારે સરકારે વેક્સિનના સ્ટોક ફાળવવા માટે સરકારને રજુઆત કરી છે. અને ટુક સમયમાં પુરતો સ્ટોક ઉપલબ્ધ થશે. એવો આરોગ્ય વિભાગના સૂત્રોએ દાવો કર્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના કેસો અમદાવાદમાં નોંધાય રહ્યા છે. અમદાવાદ શહેરમાં પ્રતિદિન સરેરાશ 125ની આસપાસ કેસો નોંધાઈ રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સિવિલ હોસ્પિટલ દ્વારા કોરોનાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. ઓક્સિજનથી લઇ રેમડેસિવિર ઇન્જેક્શનનો સ્ટોક ઉપલબ્ધ છે, પરંતુ કોરોનાની સામે રક્ષણ મેળવવા માટે આપવામાં આવતી વેક્સિનનો પુરતો જથ્થો ઉપલબ્ધ નથી. હાલમાં વેક્સિનેશન કેન્દ્રો બંધ છે. કારણ કે કોવિશીલ્ડ અને કોવેક્સિનનો જથ્થો ઉપલબ્ધ નથી અને કોર્બિવેક્સ નામની વેક્સિન હાલમાં આવી નથી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, કોરોનાની વેક્સિન અને હાલમાં ઉપલબ્ધ નથી, જેના કારણે વેક્સિનેશન બંધ છે. કોર્બિવેક્સ વેક્સિનેશન સરકાર પાસે માંગવામાં આવી છે. જેથી આગામી દિવસોમાં આવશે, ત્યારે લોકોને આપવામાં આવશે. પરંતુ હાલ પૂરતું ક્યાંય પણ વેક્સિનેશન ચાલુ નથી.
અમદાવાદ ઉપરાંત વડોદરા શહેરમાં વેક્સિન પણ ઉપલબ્ધ નથી. વીએમસી દ્વારા 40 હેલ્થ સેન્ટરોમા RTPCR ટેસ્ટના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે અને ગોત્રી હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે. હાલમાં રેમડેસિવિર ઇન્જેક્શનની પણ જરૂરિયાત નથી અને કોર્પોરેશન પાસે રેમડેસિવિર , કોવિશીલ્ડ જેવા ઇન્જેક્શન પણ ઉપલબ્ધ નથી. સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર સહિત શહેરોમાં પણ હાલ વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ નથી. જોકે નાના શહેરોમાં લોકો વેક્સિન લેવા માટે આવતા પણ નથી.