અમદાવાદાઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં તા. 3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષના કિશોરોને રસીકરણથી સુરક્ષિત કરવામાં આવશે. કિશોરોના રસીકરણને લઈને ગુજરાત સરકાર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવ્યાં છે. દરમિયાન વડોદરામાં 70 હજાર કિશોરોને કોરોનાની રસીથી સુરક્ષિત કરવામાં આવશે.
વડોદરાના જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈને જણાવ્યું હતું કે, જિલ્લાની નગર પાલિકાઓ અને ગામોમાં તરુણ રસીકરણની સરળતા માટે 203 જેટલાં કેન્દ્રોની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તરુણોને કોવેક્સીનનો ડોઝ આપવામાં આવશે. પ્રત્યેક રસી લેનારને 0.5ml નો ડોઝ આપવામાં આવશે જે વયસ્કો જેટલો જ છે. તરુણ રસીકરણ માટેના કેન્દ્રો પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ, આંગણવાડીઓ, પ્રાથમિક અને પેટા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે રાખવામાં આવશે. સૌથી વધુ અર્બનમાં 3 સહિત પાદરા તાલુકામાં 39 અને સૌથી ઓછા શિનોર તાલુકામાં 10 તરુણ રસીકરણ કેન્દ્રો રહેશે. જ્યારે વાઘોડિયા તાલુકામાં 3,નગર વિસ્તારમાં 4 સહિત ડભોઇ તાલુકામાં 33,સાવલી તાલુકામાં 30,વડોદરા તાલુકામાં 22,કરજણ તાલુકામાં 20 અને ડેસર તાલુકામાં 15 કેન્દ્રોની આયોજન કરવામાં આવ્યું છે.