અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના બીજો કાળ લગભગ પૂર્ણ થઈ ગયો છે. અને કોરોનાના સંભવિત ત્રીજા કાળ પહેલા જ રાજ્યભરમાં વેક્સિનેશનની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં કુલ રસીકરણ 3.96 કરોડ થયું છે. જેમાં 3.02 કરોડ લોકોએ પહેલો ડોઝ લીધો છે જ્યારે 96 લાખ લોકોને બીજો ડોઝ અપાઇ ગયો છે. 18 વર્ષથી ઉપરના અંદાજે 4.93 કરોડ લોકોમાંથી 79 ટકાનું રસીકરણ અત્યાર સુધી થયું છે. જેમાં 60 ટકાને પહેલો ડોઝ, 20 ટકાને બન્ને ડોઝ અપાયા છે. બીજી તરફ રાજ્યના 13 જિલ્લામાં એક્ટિવ કેસ શૂન્ય થયા છે જ્યારે 14 જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 5થી નીચે છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત જિલ્લાઓમાં જ એક્ટિવ કેસની સંખ્યા ડબલ ડિઝિટમાં છે.
રાજ્યના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ શનિવારે રાજ્યમાં 6.18 લાખ રસીકરણ કરવામાં આવ્યું હતું. ગત 16મી જાન્યુઆરીથી શરૂ થયેલા રસીકરણ અભિયાનમાં 7થી 13 ઑગસ્ટના અઠવાડિયામાં સૌથી વધુ 35.39 લાખ રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં 26.68 લાખને પહેલો ડોઝ અને 8.71 લાખને બન્ને ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ 2.16 કરોડ પુરૂષો જ્યારે 1.80 કરો મહિલાઓનું રસીકરણ કરાયું છે. રાજ્યની અંદાજિત કુલ વસતી 6.79 કરોડ અનુસાર, 58% લોકોનું રસીકરણ થયું છે જેમાં 44%ને પહેલો ડોઝ જ્યારે 14%ને બન્ને ડોઝ અપાયા છે. પ્રોજેક્શન રિપોર્ટ મુજબ, રાજ્યમાં 18થી 45 વર્ષની વયના અંદાજે 3.09 કરોડ લોકો જ્યારે 45 વર્ષની ઉપરના અંદાજે 1.83 કરોડ લોકો છે. રાજ્યમાં શનિવારે કોરોનાના નવા 25 કેસ નોંધાયા હતા. 18 દર્દીઓ સાજા થયા હતા. રીકવરી રેટ 98.76 ટકા થયો છે. એક્ટિવ દર્દીઓની સંખ્યા 185 છે.
દરમિયાન શહેરના નિષ્ણાત તબીબોના કહેવા મુજબ જો સંક્રમણ વધશે તો પણ રસી મોટા પ્રમાણમાં લીધેલી હશે તો તેની અસર ઓછી જોવા મળશે. દર્દીના મૃત્યુનું જોખમ પણ ઘટી જાય છે. આવો અનુભવ બ્રિટનમાં થયેલો જોવા મળે છે. ત્યાં રસી આપ્યા છતાં દર્દી વધ્યાં પણ મોતમાં ઘણો ઘટાડો થયો હતો. લગભગ 1000 દર્દીએ માત્ર 1 વ્યક્તિનું મોત નોંધાયું હતું. રસીકરણને કારણે જ આમ થવા પામ્યું છે. આથી મહત્તમ રીતે રસી અપાવવી જોઈએ.