Site icon Revoi.in

ધોરણ 12ના પરીક્ષાર્થીઓની 18 વર્ષની વય પૂર્ણ થતી હશે તો પરીક્ષા પહેલા જ વેક્સિન અપાશે

Social Share

અમદાવાદઃ કોરોનાને લીધે સરકાર દ્વારા ધોરણ 1 થી 11માં માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે. ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પણ રદ કરવામાં આવી છે. પરંતુ ધોરણ 12ની પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને પરીક્ષા માટેની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. આ વખતે પ્રથમ વખત ધોરણ 12ની પરીક્ષા જુલાઈ માસમાં લેવામાં આવશે. જેથી જુલાઈ માસ અગાઉ અંદાજે 3 લાખ જેટલા વિદ્યાર્થીઓને 18 વર્ષની ઉમર પૂરી થશે. માટે પરીક્ષા અગાઉ વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વેક્સિન આપવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ધોરણ 12માં ભણતા વિદ્યાર્થીઓ મોટા ભાગે 17થી 18 વર્ષની વયના હોય છે. જુન માસમાં 5 વર્ષ પૂર્ણ થતા હોય ત્યારે જ બાળકને સ્કુલમાં ભણવા માટે મુકવામાં આવે છે. ત્યારે આ જુન માસમાં અનેક વિદ્યાર્થીઓ 12માં ધોરણમાં અભ્યાસ કરતા હોય તેમની ઉમર 18 વર્ષ પૂરી થાય છે. જુનમાં 18 વર્ષ પૂર્ણ થાય અને જુલાઈ માસમાં બોર્ડની પરીક્ષા શરુ થાય છે, જેથી વિદ્યાર્થીઓને વેક્સિન આપી દેવામાં આવે તો કોરોના સામે વિદ્યાર્થીઓને સુરક્ષા મળી શકે. આ માટે સરકાર દ્વારા વિચારણા કરીને સ્કૂલ પાસેથી ડેટા મંગાવ્યો છે. જુલાઈની 1 તારીખથી ધોરણ 12ની બોર્ડની પરીક્ષા શરુ થશે. 6.83 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. ત્યારે બેઠક વ્યવસ્થામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. એક વર્ગમાં 20 વિદ્યાર્થીઓ સાથે જ પરીક્ષા યોજાશે. ત્યારે હવે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને વેક્સિન આપવા માટે પણ સરકાર દ્વાર એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

રેગ્યુલર વિદ્યાર્થીઓ જે જુન માસમાં 18 વર્ષના થશે ઉપરાંત રીપીટર વિદ્યાર્થીઓ 18 વર્ષના થઇ ગયા છે. તે તમામને પરીક્ષા અગાઉ વેક્સિન આપવામાં આવશે. કુલ 3 લાખ જેટલા વિદ્યાર્થીઓને 18 વર્ષ પૂર્ણ થશે. જેનો ડેટા સરકાર પાસે પણ છે. માધ્યમિક શિક્ષણ બોર્ડના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા જ વિદ્યાર્થીઓને વેક્સિન આપવા અંગે નિર્ણય કરવામાં આવશે. સરકાર દ્વારા ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની વિગત મંગાવવામાં આવી તો છે. સ્કૂલો પાસેની ધોરણ 12માં પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓની વિગત એકઠી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને વેક્સિન આપવી કે નહિ તે સકરાર નક્કી કરશે. અમને વેક્સિન આપવા અંગે કોઈ જાણ નથી.