અમદાવાદઃ મેગાસિટી અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત ઘટોડો થયો છે પરંતુ હજુ સુધી કોરોનાનો ખતરો ગયો નહીં હોવાનું તબીબો માની રહ્યાં છે. દરમિયાન હવે અમદાવાદ શહેરમાં મનપા સંચાલિત હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓની કોરોના વેક્સિનની માહિતીનો ઉલ્લેખ કેસ પેપરમાં કરવામાં આવશે. એટલું જ નહીં કોરોના રસીનો પ્રથમ ડોઝ નહીં લીધો હોય તેવા દર્દીઓને હોસ્પિટલમાં રસીનો પ્રથમ ડોઝ આરપવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર દેશની પ્રથમ હેરિટેઝ સિટી અમદાવાદમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર પહેલા તમામ શહેરીજનોને કોરોના રસીથી સુરક્ષિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ રસીકરણ ઝુબંશને વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 99 ટકાથી વધારે લોકોને કોરોનાની રસી આપીને સુરક્ષિત કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત 55 ટકાથી વધારે લોકોએ કોરોનાની રસીનો બીજો ડોઝ લીધો છે. દરમિયાન કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સારવાર માટે આવતા દર્દીઓના કેસ પેપર પર ફરજિયાત કોરોના રસીના ડોઝ અંગે ઉલ્લેખ કરવાનો નિર્દેશ કર્યો હતો. આરોગ્ય વિભાગને પણ સ્ટેમ્પ સહિતની જરૂરિ સુવિધાઓ ઉભી કરવા નિર્દેશ કર્યો છે. કોઈ દર્દીએ કોરોનાની રસી નહીં લીધો હોય તેવા દર્દીને હોસ્પિટલમાં જ રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવશે.
અમદાવાદમાં અત્યાર સુધીમાં 99 ટકાથી વધારે લોકોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. દિવાળીના તહેવાર પહેલા 100 ટકા રસીકરણનો લક્ષ્યાંક મનપાએ રાખ્યો છે. જેથી રસીકરણ તેજ બનાવવામાં આવ્યું છે. મનપા દ્વારા કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને આગોતરુ આયોજન કર્યું છે. આ ઉપરાંત કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા માટે હોસ્પિટલમાં બેડની પણ વ્યવસ્થા કરાઈ છે.