અમદાવાદઃ ગુજરાતના સ્થાપના દિન 1લી મેથી રાજ્યભરમાં 18 વર્ષથી વધુ વયના યુવાનો માટે વેક્સિનેશનનો પ્રારંભ થઇ રહ્યો છે. કોરોના સંક્રમણના વધતા કેસોને નિયંત્રણમાં લેવા માટે રાજ્ય સરકારે પ્રાથમિક તૈયારીઓ શરૂ કરી છે અને એવી અપીલ કરી છે કે 18 વર્ષથી ઉપરના કોઇપણ નાગરિક વેક્સિન લઇ શકશે. રાજ્યમાં 18 થી 45 વર્ષની વય ધરાવતા નાગરિકોની સંખ્યા ત્રણ કરોડ થવા જાય છે
આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે કોરોનાના કેસો ઝડપથી ઘટાડવા અને હોસ્પિટલાઇઝેશન અટકાવવા માટે એકમાત્ર રસીકરણ બેસ્ટ વિકલ્પ છે. વેક્સિનેશન માટે 28મી એપ્રિલ એટલે કે જે આજથી જ રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. આ વયજૂથમાં આવતા તમામ લોકો રજીસ્ટ્રેશન કરાવે તેવી અપીલ ખુદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરી છે. નાગરિકો આધાર કાર્ડ અને મોબાઇલ નંબરથી રજિસ્ટ્રેશન કરાવી શકશે. આરોગ્ય સેતુ એપ્લિકેશનમાં આ રજિસ્ટ્રેશન કરવાનું થાય છે.
એવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે કે વેક્સિનેશન સેન્ટરમાં વેક્સન લેતા સમયે રજિસ્ટ્રેશન થશે નહીં તેથી એડવાન્સમાં તારીખ, સમય અને સ્થળ નક્કી કરવાનું રહેશે ભારતમાં 15મી જાન્યુઆરીથી વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે. પહેલાં 60 વર્ષની ઉપરના લોકોનો રાઉન્ડ હતો, ત્યારબાદ 45 વર્ષથી ઉપરના લોકો માટેનો બીજો રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો હતો. હવે 18 વર્ષથી 45 વર્યના લોકો માટેનો ત્રીજો રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો છે. 1લી મે થી ત્રણ કરોડ લોકો માટે આરોગ્ય વિભાગે આરોગ્ય કેન્દ્રોથી હોસ્પિટલ અને નજીકના મેડીકલ ફેસેલિટી ટાઉનશીપમાં રસીકરણ કરાશે. રાજ્યભરમાં કુલ 15000થી વધુ કેન્દ્રો પર વેક્સિન અપાશે. જો કોઇ ગામ કે સોસાયટી રજિસ્ટ્રેશન કરે તો એક થી વધુ તબક્કાના સ્થાને સંખ્યાના આધારે સળંગ દિવસોમાં વેક્સિનેશ કરવામાં આવશે