અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ વધતા જાય છે, ત્યારે 1લી મેને ગુજરાતના સ્થાપના દિનથી 18 વર્ષથી વધુના લોકોને કોરોનાની વેક્સિન આપવાની અગાઉ જાહેરાત કરવામાં જાહેરાત કરવામાં આવી હતી. જોકે તા. 1લી મેથી રસીકરણનું આ અભિયાન શરૂ થશે કે કેમ એને લઇને અનિશ્ચિતતાનાં વાદળો ઘેરાયાં હતાં.
આ મામલે મુખ્યપ્રધાને જાહેરાત કરી છે કે ગુજરાત રાજ્યના સ્થાપનાદિન એટલે કે 1 મેથી રાજ્યના કોરોનાનું વધુ સંક્રમણ ધરાવતા 10 જિલ્લામાં 18 વર્ષથી વધુ વયના યુવાનોને રાજ્ય સરકાર વિનામૂલ્યે વેક્સિન આપશે. તેમણે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારની મદદથી ગુજરાતમાં આવતીકાલ શનિવારથી યુવાનોને વેક્સિનેશનનો આરંભ કરાશે.
ભારત બાયોટેકે પોતાની કોવેક્સિન નામની રસી અગાઉ રાજ્ય સરકારોને 600 રૂપિયા પ્રતિ ડોઝ આપવાની જાહેરાત કરી હતી, પરંતુ કંપનીની નવી જાહેરાત મુજબ, હવે તમામ રાજ્ય સરકારોને એ 400 રૂપિયે જ પડશે. ગુજરાત સરકારે આ રસીના 50 લાખ ડોઝનો ઓર્ડર આપ્યો છે. અત્યારસુધીમાં ગુજરાતને કેન્દ્ર તરફથી 1.27 કરોડ ડોઝ મળ્યા છે. રસીકરણના તમામ તબક્કામાં ગુજરાતમાં કુલ 1.20 કરોડ લોકોએ રસી લીધી છે, જે કુલ વસતિના 18.3 ટકા છે, તેમાંથી 95.64 લાખ નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 21.93 લાખ લોકોને બીજો ડોઝ અપાઇ ગયો છે