વડોદરાઃ શહેરના માર્ગો ઉપર યુવતીઓની છેડતી કરનારા 11 રોડસાઈડ રોમિયો ઝબ્બે
અમદાવાદઃ ગુજરાતમાં મહિલાઓ ઉપર થતા અત્યાચારના બનાવોને ઘટાડવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન વડોદરામાં રોડસાઈડ રોમિયોને ઝડપી લેવા માટે પોલીસની શી ટીમ દ્વારા પેટ્રોલીંગ વધારે તેજ બનાવવામાં આવ્યું છે. મહિલા પોલીસની શી ટીમ દ્વારા છેલ્લા 5 દિવસના સમયમાં મહિલા કે પછી યુવતીઓની છેડતી કરતા 11 જેટલા રોમિયોને પાઠ ભણાવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા પોલીસની શી ટીમની મહિલા પોલીસકર્મીઓ સિવિલ ડ્રેસમાં પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન કહાર મહોલ્લાના નાકા પાસે એક ઇસમે મહિલા પોલીસ સામે જોઈને હાથથી અભદ્ર ઈશારો કર્યો હતો. તેથી મહિલા પોલીસ કર્મચારીઓને આ ઇસમને બરાબર પાઠ ભણાવ્યો હતો. મહિલા પોલીસ સામે ગંદો ઇસારો કરનાર ઇસમનું નામ રાજા પઠાણ હોવાનું સામે આવ્યું છે અને તે નવાપુર મુસ્લિમ મોહલ્લામાં રહે છે. શી ટીમ દ્વારા રાજા પઠાણને પોલીસની જીપમાં બેસાડીને પોલીસ સ્ટેશન મોકલી આપ્યો હતો.
આ ઉપરાંત મહિલા પોલીસની બીજી શી ટીમ સિવિલ ડ્રેસમાં જે.પી. રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મહારાજા ચાર રસ્તા પર પેટ્રોલિંગ કરી રહી હતી તે સમયે બે ઇસમોએ મહિલા પોલીસ સાથે બીભત્સ ચેનચાળા કર્યા હતા. તેથી શી ટીમ દ્વારા આ બંને ઇસમોને પણ ઝડપી પાડીને પોલીસ સ્ટેશન મોકલવામાં આવ્યા હતા. આ બન્ને ઇસમોના નામ ફકીર ઘોરી અને અકીબ પટેલ હોવાનું સામે આવ્યું છે. ફકોર ઘોરી અને અકીલ પટેલ બંને રોમિયો તાંદલજાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. વડોદરામાં મહિલા પોલીસે રોડસાઈડ રોમિયોને ઝડપી લેવા અભિયાન તેજ બનાવવામાં અસામાજીકતત્વોમાં ભય ફેલાયો છે.