Site icon Revoi.in

વડોદરા હોડી દુર્ઘટનાની તપાસનો રિપોર્ટ હજુ અપાયો નથી, જિલ્લા કલેકટરે વધુ 4 દિવસ માગ્યા

Social Share

વડોદરાઃ રાજ્યમાં કોઈપણ મોટી દુર્ઘટના બને ત્યારે લોકોનો રોષ ઠંડો પાડવા માટે તપાસ કમિટી નિમી દેવામાં આવતી હોય છે. અને સમય જતાં લોકો પણ તપાસ કમિટી કે તેના અહેવાલને ભૂલી જતા હોય છે. તાજેતરમાં વડોદરામાં હરણી લેકમાં બોટ દૂર્ઘટનામાં શાળાના 12 બાળકો અને બે શિક્ષિકા સહિત 14નાં મોત નિપજ્યા હતા. આ બનાવની જાણ થતાં મુખ્યમંત્રી અને ગૃહરાજ્ય મંત્રી વડોદરા દોડી આવ્યા હતા. અને કલેક્ટરના વડપણ હેઠળ તપાસ ટીમ બનાવવામાં આવી છે. ગૃહમંત્રીએ દુર્ધટનાના 10 દિવસમાં રિપોર્ટ આપવા માટે જણાવ્યું હતું. રિપોર્ટ તૈયાર ન થતાં કલેક્ટરે અગાઉ પણ 5 દિવસનો સમય માંગ્યો હતો. જે સમયગાળો પૂર્ણ થઈ ગયો છે પણ રિપોર્ટ હજુ અધૂરોને અધૂરો જ છે. હવે આ તપાસ માટે કલેક્ટરે વધુ 4 દિવસનો સમય આપવા સરકાર પાસે માંગણી કરી છે.

વડોદરા હરણી મોટનાથ તળાવમાં ગઈ તા, 19 જાન્યુઆરીએ સર્જાયેલી હોડી દુર્ઘટનામાં વાઘોડિયા રોડની ન્યૂ સનરાઇઝ સ્કૂલના 12 બાળકો અને 2 શિક્ષિકાના મોત નીપજ્યા હતાં. આ ઘટનાએ સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવી મૂક્યો હતો. આ ઘટનાની વિવિધ તપાસ ટીમો તપાસ કરી રહી છે. આ ઘટનાને લઇ રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ દોડી આવ્યા હતાં. તેમણે કલેક્ટરને આ ઘટનાની તપાસ કરી 10 દિવસમાં રિપોર્ટ આપવા માટે સૂચના આપી હતી. ગૃહ મંત્રીની સૂચના બાદ કલેક્ટર અતુલ ગોરેએ તપાસ ટીમ બનાવી તપાસ શરૂ કરાવી દીધી હતી. જેમાં 10 દિવસ બાદ રિપોર્ટ તૈયાર ન થતાં કલેકટરે સરકાર પાસે 5 દિવસની મુદત માંગી હતી. આ મુદત પણ પૂરી થતાં હજુ 15 દિવસ બાદ પણ રિપોર્ટ તૈયાર થયો નથી.હવે  કલેક્ટરે સરકાર પાસે વધુ 4 દિવસની મુદત માંગી છે. આ અંગે કલેક્ટર અતુલ ગોરે જણાવ્યું હતું કે, મારી વડોદરા કલેક્ટર તરીકે બદલી થઇ છે, પરંતુ હું હોડી દુર્ઘટનાનો રિપોર્ટ સરકારમાં જમા કરાવીને વડોદરા કલેક્ટરનો ચાર્જ છોડીશ.