Site icon Revoi.in

વડોદરા શહેરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

Social Share

અમદાવાદઃ વડોદરા મહાનગરપાલિકામાં  મેયર તરીકે પિન્કીબહેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતીના ચેરમેન તરીકે ડો. શિતલ મિસ્ત્રી, અને પક્ષના નેતા તરીકે મનોજ પટેલની નિમણૂંક કરવામાં આવી છે. આ જાહેરાતથી  છેલ્લા કેટલાંક સમયથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. મેયર સહિતના પદાધિકરીઓની જાહેરાત કર્યા બાદ મહાનગર પાલિકાની કચેરી ખાતે નવા મેયર, ડે.મેયરની અધ્યક્ષતામાં  પ્રથમ સામાન્ય  સભા યોજાઈ હતી. વડોદરા શહેરના મેયર તરીકે સૂકાન સંભાળતા પીન્કીબેને શહેરના વિકાસને આગળ લઈ જવાની તેમની પ્રાથમિકતા દર્શાવી હતી. તમામ હોદ્દેદારોનો કાર્યકાળ અઢી વર્ષ સુધીનો રહેશે.

વડોદરા મનપાના હોદ્દોદારોની પસંદગીને લઈને વડોદરા શહેર ભાજપ પ્રભારી ગોરધન ઝડફિયા આજે ભાજપ કાર્યલય ખાતે મેન્ડેટ લઈને પહોંચ્યા હતા, જ્યાં સૌથી પહેલા તેઓની શહેર ભાજપ પ્રમુખ ડૉ.વિજય શાહ સાથે બંધ બારણે બેઠક યોજાઈ હતી. આ બેઠક પૂર્ણ થયા બાદ હોદ્દેદારોના નામોની જાહેરાત કરાઈ હતી. મેયર તરીકે પિન્કીબેન સોનીના નામની જાહેરાત કરાઈ હતી. આમ તેઓ વડોદરા શહેરના ચાથો મહિલા મેયર બન્યાં છે. જ્યારે શાસકપક્ષના નેતા તરીકે મનોજ પટેલની પસંદગી કરવામાં આવી છે. મેયરની પસંદગી બાદ નવા મેયર પિન્કીબેન સોનીએ જણાવ્યું હતું કે, વડોદરાના વિકાસ અને લોક કલ્પાણના કાર્યોને વેગ આપવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરાના સંયાજીગંજ વિસ્તારમાં આવેલા ભાજપ કાર્યાલય ખાતે પૂર્વ સાંસદ દિપક સાથી, ધારાસભ્ય રાકેશ શાહ અને ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે કોર્પોરેટરો, પ્રભારીઓના અભિપ્રાયો લેવામાં આવ્યા હતા. દરમિયાન આજે મેયર અને ડેપ્યુટી મેયર સહિતના હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી હતી.