Site icon Revoi.in

વડોદરા જિલ્લાના મેસરી નદી પરના કરોડોના ખર્ચે બનેલા બ્રિજ પર ઉદઘાટન પહેલા ગાબડાં પડ્યા

Social Share

વડોદરાઃ ગુજરાતમાં નવા બનાવેલા બ્રિજ પર ગાબડાં પડવાની ઘટનાઓ વધતા ભાજપ સરકારની આબરૂનું ધોવાણ થઈ રહ્યું છે. ત્યારે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પરથમપુરા ગામે મેસરી નદી પર કરોડોના ખર્ચે બનાવેલા બ્રિજમાં ઉદઘાટન પહેલા જ ગાબડાં પડતા અને બ્રિજના સ્ટ્રકચરમાં તિરાડો જોતા જ ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને વિજિલન્સની તપાસ માટે માગણી કરી છે.

વડોદરાના સાવલી તાલુકાના પરથમપુરા ગામ પાસે કરડ અને મેસરી નદી પર 24 કરોડના ખર્ચે નવો બ્રિજ એપ્રોચ રોડ સાથે બનાવવામાં આવ્યો છે. જે બ્રિજનું હજૂ ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું નથી. ત્યાં જ તેના RCC સ્ટ્રક્ચરમાં તિરાડો જોવા મળતા સવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજ્યના મુખ્યમત્રીને પત્ર લખ્યો છે અને વિજિલન્સ તપાસની માગ કરી છે.  આ વિસ્તારમાં રોડના કોન્ટ્રાકટરની કામગીરી અને હલકી ગુણવત્તા મુદ્દે ભારે ચર્ચા જાગી છે. નવા પુલની કામગીરીમાં ભારે ભ્રષ્ટાચાર અને બે-જવાબદારીનો કિસ્સો પ્રકાશમાં આવતાં સ્થાનિક ધારાસભ્ય મેદાને આવ્યાં છે. બ્રિજના ઉદઘાટન પહેલા જ બ્રિજ પરથી  રોજના હજારો ભારદારી વાહનો પસાર થાય છે, ત્યારે પુલની ગુણવત્તા મુદ્દે અનેક સવાલો ઊઠી રહ્યા છે.

પરથમપુરાના ગ્રામજનો કહી રહ્યા છે. કે, રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 24 કરોડ જેટલી રકમ ખર્ચીને બનાવેલો નવો બ્રિજ થોડાક સમયમાં જ કંઈ રીતે ખરાબ થઈ શકે?. વર્ષો જૂના બ્રિજની હાલત જર્જરિત હોવાથી ઉદ્ઘાટન પહેલા જ નવો બ્રિજને ખોલી દેવામાં આવ્યો છે, પરંતુ આ નવો બ્રિજમાં જ RCC સ્ટ્રક્ચરમાં ઠેર ઠેર તિરાડો જોવા મળતા ફરી કોન્ટ્રાક્ટર સામે અનેક સવાલો ઉભા થયા છે

ભાજપના ધારાસભ્ય કેમત ઈનામદારે  મુખ્યમંત્રીને પત્ર લખીને એવી રજુઆત કરી છે. કે, મારા મત વિસ્તાર સાવલી તાલુકાના પરથમપુરા ગામ પાસે કરડ નદી અને મેસરી નદી પર 24 કરોડના ખર્ચે નવો બ્રિજ એપ્રોચ રોડ સાથે બનાવવામાં આવ્યો છે. જે બ્રિજનું ઉદ્ઘાટન પણ કર્યું નથી. પરંતુ હાલ જૂનો બ્રિજ જર્જરિત હાલતમાં હોય તેથી પરિસ્થિતિને ધ્યાને રાખી નવો બ્રિજ ચાલુ કરવામાં આવ્યો હતો. પરંતુ હજૂ બ્રિજને થોડા સમય પહેલા જ શરૂ કર્યો હોય અને બ્રિજ પરના રસ્તામાં તિરાડો તેમજ RCC ઉખડી ગયેલા જોવા મળ્યા છે. જે ખૂબ ગંભીર બાબત છે. સરકાર નાગરિકોની ભૌતિક સુવિધાઓમાં વધારો કરવા માટે હંમેશા અગ્રેસર હોય અને આવી કોન્ટ્રાકટર કે અધિકારી/કર્મચારીઓ દ્વારા કામગીરી કરવામાં આવતી હોય છે. સરકારની નામના ખરડાય જે ગંભીર વિષય છે. આ બાબતે વિજીલન્સ તપાસ કરાવી કસુરવાર કોન્ટ્રાકટર કે અધિકારી/કર્મચારીઓ પર કડકમાં કડક કાર્યવાહી કરવા વિનંતી છે.