અમદાવાદઃ મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ સયાજી હોસ્પિટલે મધ્યપ્રદેશના એક ગરીબ પરિવારના બાળકની કાનની જવલ્લેજ જોવા મળતી અને ગંભીર બીમારીનું નિવારણ કરીને, એને વેદનામુકત કરવાની સાથે નવું જીવન બક્ષ્યું છે. આ હોસ્પિટલના કાન, નાક અને ગળાના વિભાગે માત્ર સાત વર્ષની ઉંમરના બાળકની સારવાર સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષક અને વિભાગના વડા ડો.રંજન કૃષ્ણ ઐયરના માર્ગદર્શન હેઠળ તબીબી જ્ઞાન અને કુશળતાનો સાહસ અને હિંમત સાથે સમન્વય કરીને કરી તથા ધારી સફળતા મેળવી છે.આ સારવારથી ગુજરાત રાજ્યની સક્ષમ આરોગ્ય સેવાઓની છાપ વધુ સુદ્રઢ થઈ છે. આ બાળક છેલ્લા ત્રણ વર્ષથી, કુમળી વયથી મિક્સોઇડ ટયુમર નામક ગંભીર બીમારીથી પીડાતું હતું.આ એક જવલ્લેજ જોવા મળતી અસાધારણ બીમારી છે જેની સારવાર અને શસ્ત્રક્રિયામાં ખૂબ કુશળતાની જરૂર પડે છે.
સાત વર્ષની ઉંમરનું આ બાળક જ્યારે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યું ત્યારે તેના કાનમાં થયેલી આ દુર્લભ ગાંઠે ગળા અને છેક મગજ સુધીના ભાગને પોતાની વિકૃતીના પ્રભાવમાં લઈ લીધો હતો. ખાનગી હોસ્પિટલના ઈલાજ દરમિયાન એનું પ્રાથમિક નિદાન થયું હતું પરંતુ નિવારણ શક્ય બન્યું ન હતું. વડોદરાની પડોશના જિલ્લાઓ અને ગુજરાતના શાખ પાડોશી રાજ્યોમાં જ્યારે બીમારીનો કોઈ ઈલાજ કે ઉકેલ કામના લાગે ત્યારે સયાજી હોસ્પિટલનો આશ્રય લેવામાં આવે છે. માતાપિતા અને પરિવારે આ બાળકને સયાજી હોસ્પિટલના ઈ.એન.ટી.વિભાગમાં સારવાર માટે દાખલ કર્યો હતો. આ વિભાગમાં સઘન તપાસ અને પરીક્ષણને અંતે બાળક ઉપરોક્ત દુર્લભ બીમારીથી પીડિત હોવાનું ચોક્કસ નિદાન થયું હતું.
આ ગાંઠ ખૂબ જ ફેલાઈ હોવાથી અને બાળક નાની ઉંમરનું હોવાથી શસ્ત્રક્રિયા જોખમી હતી. જો કે સંજોગો સામે હાર ન માનતા વિભાગની ટીમે બાળકની જરૂરી તમામ તકેદારીઓ લઈને, તબીબી જ્ઞાન અને કૌશલ્યોનો ઉપયોગ કરીને શસ્ત્રક્રિયા કરી અને તે સફળ રહી. હાલમાં આ બાળ દર્દી વેદનામુકત સામાન્ય જીવન જીવી રહ્યો છે. ખાનગી દવાખાનામાં ખૂબ ખર્ચાળ બની રહે એવી સારવાર આ દર્દીને ગુજરાતની સરકારી હોસ્પિટલમાં મળી છે. આ સર્જરી થી ઈ.એન.ટી.માં સયાજી હોસ્પિટલની મલ્ટી સ્પેસ્યાલીટી ઉજાગર થઈ છે. એક ગરીબ આદિવાસી પરિવારના બાળકને ટીમ સયાજીની સમર્પિત સારવારથી નવું જીવન મળ્યું છે.ડોકટર ઐયરે આ બાળકની સારવાર અને સર્જરી કરનારા તમામ તબીબો અને તેમની ટીમના આરોગ્ય સહાયકોને અભિનંદન આપ્યા છે.