Site icon Revoi.in

વડોદરાઃ પૂરના પાણીથી ભીંજાયેલી ધર-વખરી લોકોએ રોડ ફેંકી

Social Share

વડોદરાઃ શહેરમાં ભારે વરસાદ અને વિશ્વામિત્રી નદીના પૂરને લીધે શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. કેટલાક વિસ્તારામાં તો લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતાં ઘર-વખરીને ભારે નુકશાન થયું હતું. પાણી ઉતર્યા બાદ પણ તંત્રની કોઈ મદદ મળી નથી એવી સ્થાનિક લોકો ફરિયાદો કરી રહ્યા છે. ત્યારે લોકોએ તંત્ર સામે વિરોધ કરવા રોડ પર પાણીથી ભીજાયેલી ઘર- વખરી અને કચરો ફેંકતા મ્યુનિ.તંત્રના અધિકારીઓ દોડતા થયા છે.

શહેરના અમિતનગરથી સમા-સાવલી રોડ પર આવેલા બ્રિજ પાસે સ્થાનિકોએ આક્રોશ ઠાલવ્યો હતો. સનરાઇઝ બંગલોઝ, અને અજિતા નગરના રહીશોએ ભીંજાયેલી ઘર-વખરીનો કચરો રોડ પર ઠાલવી વિરોધ કર્યો હતો. રહીશોને તંત્ર દ્વારા મદદ કરવામાં આવી ન હોવાના પગલે રોષ ઠાલવ્યો હતો. વિશ્વામિત્રી નદીમાં આવેલા વિનાશક પૂરને લીધે સૌથી વધારે નુકસાન અમિત નગરથી સમા -સાવલી રોડ પર આવેલા બ્રિજ પાસે આવેલી સનરાઇઝ બંગ્લો, અજિતા નગર સોસાયટીમાં વધારે નુકસાન થયું છે. એક-એક માળ સુધી પાણી ભરાઇ ગયું હતું, જેના પગલે ફર્નિચર, ગાદલાં સહિતની વસ્તુઓ ભીંજાઈ ગઈ હતી.  તંત્ર દ્વારા કોઇ પણ પ્રકારની મદદ ન મળતા સ્થાનિક રહીશો દ્વારા ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

વડોદરા શહેરમાં ભારે પૂરના કારણે સનરાઇઝ બંગ્લો, અજિતા નગર સોસાયટીમાં ભારે તારાજી સર્જાઇ હતી. સ્થાનિક કાઉન્સિલરોને મદદ માટે સતત મેસેજ અને ફોન કર્યો હોવા છતાં પણ કોઇએ મદદ કરી ન હોવાના આક્ષેપો સ્થાનિક રહીશોએ કર્યા હતા. રોષે ભરાયેલા સ્થાનિક રહીશો દ્વારા તમામ કચરો રોડ પર ઠાલવી દેવામાં આવ્યો હતો, જેના પગલે મુખ્ય માર્ગ પર ટ્રાફિક જામનાં દૃશ્યો સર્જાયાં હતાં. સ્થાનિક લોકોના કહેવા મુજબ તંત્ર દ્વારા એક વાર પણ મદદ મળી નથી. આ વખતે પૂર ભયાનક હતું.  તંત્ર દ્વારા પાણી દવા કે કોઇ પણ મદદ પહોંચી નથી. પાણી ઉતર્યા બાદ લોકોએ તંત્ર પાસે મદદ માગી હતી. જોકે અમને સહાય આપવા માટે ના પાડી દીધી હતી, જેના કારણે લોકોએ તેમના ઘરનો તમામ કચરો રોડ પર ઠાલવીને રોષ ઠાલવ્યો છે. હજુ પણ અમારી મદદે તંત્ર નહિ આવે તો આંદોલન કરીશું.