અમદાવાદઃ મ્યુકર એવો વેદના દાયક રોગ છે જેમાં દર્દીનો જીવ બચાવવા માટે કાળી કે અન્ય પ્રકારની ફૂગ થી અસર પામેલા જડબા, તાળવા,આંખ જેવા ચહેરાને સુંદરતા આપતાં અવયવો કાઢી લેવા પડે છે. એટલે દર્દીને સાજા થયાં પછી પણ ચહેરાની કુરૂપતા પીડે છે અને આ પીડા આજીવન ભોગવવી પડે છે. આ સંજોગોમાં જી.એમ.ઇ.આર.એસ.હોસ્પિટલ, ગોત્રીના કાન,નાક અને ગળાના વિભાગના સર્જન ડો.હિરેન સોની એ ,વડોદરામાં અને કદાચિત ગુજરાતમાં આ રોગ થી અસર પામેલા દર્દીની આંખની અને ચહેરાની કુરૂપતા નીવારતી પથદર્શક સર્જરી કરી છે.
એંડોસ્કોપિક સિસ્ટમ અને ખૂબ સમયસર આ હોસ્પિટલ ને જેની સખાવત મળી છે તેવા અદ્યતન માઈક્રો ડી બ્રાઇડર યંત્રની મદદથી ઓરબિટલ કલિયરન્સ વિથ આઇ બોલ પ્રિઝર્વેસન નામક ન્યુઅર મોડાલિટી એટલે કે નવ પ્રચલિત સર્જરી કરી છે. સાદી ભાષામાં કહીએ તો ફૂગ થી પ્રભાવિત થયેલા આંખના ગોખલાની આંખના ડોળા અને સારા સ્નાયુઓને અકબંધ રાખીને, મોટેભાગે ચહેરાની સુંદરતા સાચવતી આ શસ્ત્રક્રિયા છે.
ડો.હિરેન સોનીએ જણાવ્યું હતું કે, અમે બારેક દિવસ પહેલા જેમની આ સર્જરી કરી,તેમનો ચહેરો જોઈને અમે પણ ડાબી આંખે સર્જરી કરી કે જમણી આંખે એની વિમાસણ અનુભવીએ છે. ફુગની અસરથી આંખનું તેજ તો જતું રહે છે જેને પાછું આપી શકાતું નથી પણ ચહેરાની કુરૂપતા આ સર્જરીથી નિવારવી એ પણ મોટા સંતોષની વાત છે.
આ સર્જરીમાં એન્ડોસ્કોપી અને માઇક્રો ડીબ્રાઇડર ની મદદ થી આંખનો ડોળો સાચવીને તેની પાછળના ફૂગથી બગડેલા ભાગોની સફાઈ કરવામાં આવે છે અને સારા સ્નાયુઓ પણ સાચવી લેવામાં આવે છે. આંખના સર્જન નહિ પણ ઈ.એન.ટી.સર્જન જ નાક વાટે ઉપરોક્ત યંત્રોની મદદ થી આંખની અંદરના બગડેલા હિસ્સાની સફાઈ કરે છે.
તેમણે કહ્યું કે,ફૂગની અસર પ્રમાણે આંખની આંતરિક સફાઈ, તાળવાનો ભાગ, જડબાનો ભાગ, જે બગડી ગયો છે એને સર્જરી થી કાઢવામાં આવે છે. આ સર્જરી એટલી સફાઈ અને ચોકસાઈથી કરવામાં આવે છે કે બાહ્ય ચહેરા પર એક ચિરો ,કાપો કે ટાંકો દેખાતો નથી.