વડોદરાઃ MD ડ્રગ્સના જથ્થા સાથે NCBએ સાત આરોપીઓની કરી ધરપકડ
અમદાવાદઃ ગુજરાતમાં નશીલા દ્રવ્યોની હેરાફેરી અટકાવવા અને માદક દ્રવ્યોની હેરાફેરી કરનારા અસામાજીક તત્વોને ઝડપી લેવા માટે પોલીસે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન એનસીબીએ વડોદરામાં દરોડા પાડીને સાત વ્યક્તિઓને ઝડપી લીધા હતા. આરોપીઓ વચ્ચે ડ્રગ્સની ડીલ ચાલતી હતી ત્યારે જ એનસીબીએ દરોડો પાડીને 994 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી લીધો હતો.
પ્રાથમિક માહિતી અનુસાર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ટીમે બાતમીના આધારે વોચ રાખીને વડોદરામાં ડ્રગ્સની ચાલુ ડિલમાં જ રેડ કરી હતી..રેડ દરમિયાન બે મહિલાઓ સહિત 7 ઈસમોને ઝડપી લીધા હોવાનું જાણવા મળે છે. તેમજ તેમની પાસેથી કરોડોની કિંમતના ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ રૂ. 7.50 લાખની રોકડ, બે મોટરકાર અને અન્ય 3 વાહનો જપ્ત કરવામાં આવ્યાં હતા. આ જથ્થો મહારાષ્ટ્રથી ગુજરાતમાં લાવવામાં આવ્યો હોવાનું ખૂલ્યું છે.
એનસીબીએ આ પ્રકરણમાં આરોપીઓની ઉંડાણપૂર્વકની તપાસ આરંભી છે. તેમજ ગુજરાતમાં ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ કરવા માટે ચક્રોગતિમાન કર્યાં છે. આરોપીની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતાઓ છે. એનસીબીએ આરોપીઓના રિમાન્ડ મેળવવાની કવાયત આરંભી છે.