- કોરોનાના રિપોર્ટને લઈને પણ કૌભાંડ
- પોઝિટિવ રિપોર્ટને બતાવતા નેગેટિવ
- અન્ય લોકોના જીવને પણ મુક્યા જોખમમાં
અમદાવાદ: અત્યારે દેશમાં કોરોનાવાયરસ મહામારી ચાલી રહી છે. દેશમાં લાખની સંખ્યામાં કોરોનાવાયરસના કેસ નોંધવામાં આવી રહ્યા છે ત્યારે વડોદરામાં એક એવો કિસ્સો સામે આવ્યો જેમાં કોરોનાના પોઝિટિવ દર્દીને પણ નેગેટિવ બતાવવામાં આવતું હતુ.
હવાઇ મુસાફરી માટે આરટીપીસીઆર રિપોર્ટ ફરજિયાત કરાતા વડોદરામાં બોગસ રિપોર્ટ કાઢી આપતા ભેજાબાજો સક્રિય થયા છે. જે માત્ર રૂ. 600માં કોરોના પોઝિટિવ દર્દીનો કોઇપણ ટેસ્ટ વિના માત્ર આધાર કાર્ડ આધારે નેગેટિવ રિપોર્ટ કાઢી આપે છે. 50થી વધુ લોકો આવો બોગસ રિપોર્ટ કઢાવી યુકે, અમેરિકા સહિતના દેશોમાં પહોંચી ગયા હોવાનો દાવો ખુદ ભેજાબાજે કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ વાતનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે મીડિયા દ્વારા આ બાબતે સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું અને તમામ વાતને જાણવામાં આવી. માત્ર મોબાઇલ પર જ સંર્પક કરતા ભેજાબાજે પોઝિટિવ યુવકનો અને 8 મહિના અગાઉ જ અવસાન પામેલા વૃદ્ધાનો રિપોર્ટ કોઇપણ સેમ્પલ કે ટેસ્ટ વિના નેગેટિવ કાઢી આપ્યો હતો. અન્ય રાજ્યોમાં યાત્રા કરવા જતાં લોકોને પણ આરટીપીસીઆર નેગેટિવ રિપોર્ટ કાઢી અપાય છે.
ભેજાબાજે ડીંડવાણું હાક્યું હતું કે, સેનેટાઇઝરને વેફર પર છાંટીને પોતે ખાય છે અને પોતાના જ નમૂના રિપોર્ટ માટે મોકલે છે અને નેગેટિવ આવે છે. આ અંગે બરોડા મેડીકલ કોલેજના ડોક્ટરે જણાવ્યું હતું કે, ટેસ્ટ માટે નાક-ગળામાંથી નમૂના લેવાય છે. સેનેટાઇઝર ખાઇ વાઇરસ નાશ થાય છે તેવા કોઇ પૂરાવા નથી.