Site icon Revoi.in

વડોદરાઃ સયાજી હોસ્પિટલમાં વિરલ રોગ માયો માયોથી પીડિત બે બાળકોની સફળ સર્જરી

Social Share

અમદાવાદઃ વડોદરાની સયાજી હોસ્પિટલના ન્યૂરો સર્જરી વિભાગના તબીબોની ટીમે વિશિષ્ઠ અને દુર્લભ ગણાય તેવા રોગથી પીડાતા બાળ દર્દીની સફળ સર્જરી કરીને તેને કાયમી લકવાના સંભવિત જોખમ થી ઉગારી લીધો છે. આ બાળક મોયા મોયા ના નામે ઓળખાતા રોગના હુમલાથી જોખમમાં મુકાયું હતું જેની આ વિભાગમાં પહેલીવાર જરૂરી સારવાર અને ન્યુરો સર્જરી કરવામાં આવી હતી.

ડાકોરના સાડા પાંચ વર્ષની ઉંમરના મહંમદ અરફાન શેખ અને વડોદરાના યાકુતપૂરા ના ૮ વર્ષના મહંમદ હસાનને વારંવાર લકવાનો હુમલો આવતો હતો. બંને ના પરિવારો આ બાળકોને લઈ વિવિધ ખાનગી દવાખાનાઓમાં ગયા હતા અને પૈસા ખર્ચ્યા પણ કોઈ યોગ્ય ઈલાજ મળ્યો ન હતો. આખરે સરકારી સયાજી હોસ્પિટલનો સહારો મળ્યો. અહીં ન્યુરો સર્જરી વિભાગના વડા ડો.અમેય પાટણકર તથા તેમના સહયોગી ડો. પાર્થ મોદી અને ડો.યક્ષ સોમપુરા તથા તબીબોએ આ બાળકો જવલ્લેજ થતાં અને મગજને લોહી પહોંચાડતી ધમનીઓમાં સંકોચન ના લીધે લોહીનો અપૂરતો પુરવઠો મળવાના લીધે થતાં માયો માયો નામના રોગથી પીડિત હોવાનું સચોટ નિદાન કર્યું હતું. લગભગ 5 કલાક થી પણ લાંબી ચાલતી જટિલ સર્જરી કરીને આ બાળકોને ઉપરોક્ત રોગ સામે રાહત અપાવી છે.

મહંમદ અરફાન ના કાકા અઝહર શેખે જણાવ્યું કે ખાનગી હોસ્પિટલોમાં આ રોગની સારવાર ઘણી જ ખર્ચાળ છે જે અમારા પરિવારને પોસાય તેમ ન હતી.આણંદ, અમદાવાદના ખાનગી દવાખાનાઓ ના પગથીયા ઘસવા છતાં નિદાન કે ઈલાજ મળતો ન હતો. આખરે સયાજી હોસ્પિટલના ન્યુરો સર્જરી વિભાગે નાણાંકીય અને માનસિક રાહત અપાવી છે અને. ખૂબ મોટી અને જટિલ સર્જરી વિનામૂલ્યે થઈ છે.

સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. રંજન કૃષ્ણ ઐયરે જણાવ્યું કે આ રોગનું સચોટ નિદાન અને સફળ સર્જરી સયાજીના ન્યૂરો સર્જરી વિભાગે કરી છે.તેમને આ જટિલ રોગની સારવારમાં બાળ રોગ વિભાગ, એનેસ્થેસિયા વિભાગ સહિત વિવિધ વિભાગોના તબીબો તેમજ નર્સિંગ અને અન્ય સ્ટાફનો ખૂબ સહયોગ મળ્યો છે. આ કેસ ની સારવાર સયાજી હોસ્પિટલના ટીમ વર્કનું ઉદાહરણ છે.

સારવાર ટીમના સદસ્ય અને ન્યુરો સર્જન ડો.પાર્થ મોદીએ જણાવ્યું કે ધારાસભ્ય યોગેશ પટેલે તેમના અનુદાનમાંથી અમારા વિભાગને ખૂબ અદ્યતન ન્યુરો સરજીકલ ઓપરેટિંગ માઇક્રોસ્કોપ આપ્યું છે. રૂ.૪૭ લાખની કિંમતના આ તબીબી ઉપકરણથી આ ખૂબ જ જટિલ અને લાંબી સર્જરી ખૂબ સારી રીતે થઈ શકી છે. આ સર્જરી 5 કલાકથી પણ લાંબી ચાલે છે. કદાચ આ ઉપકરણ વગર આ સર્જરી થઈ શકી ન હોત.

તેમાં મગજને શુદ્ધ લોહી પૂરો પાડતી સુકાઈ ગયેલી ધમનીઓ ના વિકલ્પે હૃદયમાં કરવામાં આવતા બાય પાસની જેમ મગજમાં અન્ય ધમનીઓ આરોપિત કરીને લોહીનો પૂરતો પુરવઠો મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે જે ખૂબ જ જટિલ છે. આ રોગનો કોઈ ઈલાજ નથી પણ મગજને લોહી પૂરું પાડવાની વૈકલ્પિક વ્યવસ્થા કારગર નીવડે છે.