Site icon Revoi.in

વડોદરાઃ એસ.એસ.જી હોસ્પિટલમાં ગંભીર સમસ્યાથી પીડિત 3 નવજાત બાળકીની સફળ સારવાર

Social Share

અમદાવાદઃ વડોદરાની સયાજી હોસ્પિટલના બાળ રોગ અને સારવાર વિભાગે ખૂબ જોખમી,જટિલ અને ઝીણવટભરી ચોકસાઈ માંગી લેતી સર્જરી અને તબીબી પ્રક્રિયાઓ કરીને તેમજ ખૂબ લાંબી સારવાર આપીને ઈશ્વરના દૂત જેવા ત્રણ માસૂમોને નવું જીવન આપ્યું છે. આ વિભાગના વડા ડો.શીલા ઐયરના કુશળ અને અનુભવી માર્ગદર્શન હેઠળ તબીબો,નર્સિંગ સ્ટાફ અને સેવકોએ આ તબીબી ચમત્કારમાં યોગદાન આપ્યું છે.

બેબી કૈલાશનો  માત્ર 28 અઠવાડિયા ના ટૂંકા ગર્ભકાળ પછી દુનિયામાં પ્રવેશ થયો હતો જે ખૂબ નાજુક અને જોખમી પરિસ્થિતિ તબીબોની ભાષામાં ગણાય. માત્ર એક કિલો વજન અને એમાં પણ ફેફસાં વિકસિત નહિ. ડોક્ટર એ ફેફસાં ફૂલાવવા માટે સર્ફેક્તંટ આપ્યું. ત્યાર બાદ પણ શ્વાસ લેવાનું ભૂલી જવાની તકલીફ (એપનીયા) ચાલુ રહી. હૃદયની સોનોગ્રાફીમાં પણ પહેલા તો કંઈ આવ્યું નહીં. સાદા નાના ઓક્સિજન પરથી સી પેપ મશિન અને પછી વેન્ટિલેટર મશીનની વારે ઘડીએ જરૂરિયાત રહેતી. લગભગ 13 દિવસનો સી પેપ સપોર્ટ અને 18 દિવસના વેન્ટિલેટર સપોર્ટ તેમજ ટુ ડી ઈકો કાર્ડિયો ગ્રાફિમાં મોડરેટ થી લાર્જ પેટન્ટડક્ટસ આર્ટરીઓસિસ (P.D.A.) ની હાજરીથી ટ્રીટમેન્ટ આપવામાં મહામથામણ કરવી પડી. પેટન્ટડક્ટસ આર્ટરીઓસિસને બંધ કરવાના ઇંજેક્શન ચાલુ કરવામાં આવ્યા અને એ બંધ થતાં બાળકની ઓક્સિજનની જરૂરિયાત ઓછી થઈ અને સફળતાપૂર્વક ઓક્સિજન સપોર્ટ પરથી દૂર કરવામાં આવ્યું. 80 દિવસના લાંબા તેમજ જોખમભર્યા જિંદગીની શરૂઆતના પ્રવાસમાં માતા તેમજ સંતાન એક યોદ્ધા તરીકે ઉભરી આવ્યા. એનિમિયા, સેપ્સિસ, આર. ઓ.પી. (R.O.P.) ; લાંબા ઓક્સિજન સપોર્ટ ની મથામણો થી આખરે આ રુના પૂમડાં જેવા જન્મેલા બાળકનું વજન ૧.૭૦૦ કિલો  સુધી પહોચ્યું છે. અંતે આ યોદ્ધા શિશુને હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી હતી.

બેબી મીના કે જેનો અન્નનળી અને શ્વાસનળી નો ભાગ જન્મથી જ જોડાયેલો હતો. તેનું  સફળતાપૂર્વક ઓપરેશન કરીને 20 દિવસની આઈ.સી. યુ. સારવાર બાદ બાળકને સંપૂર્ણ પણે માતાના ધાવણ સાથે સ્ટેપ ડાઉન વોર્ડમાં રખાયું. આ બાળકને હૃદય અને કિડનીની પણ સમસ્યા છે અને તબીબો અને સ્ટાફ એની જિંદગીને નવી અને સલામત દિશા આપવા પોતાના જ્ઞાન અને કુશળતાનો વિનિયોગ કરી રહ્યાં છે.

ધર્મિષ્ઠા શરીરના અંગોના એકબીજામાં અનિચ્છનીય પ્રવેશ જેવી વિચિત્ર સ્થિતિમાં જન્મી હતી. આ નવજાત દીકરીને જન્મથી જ આંતરડાનો ભાગ છાતીના ભાગમાં હતો. આ બેબીનું પણ સમયસર નિદાન કરવામાં આવ્યું અઘરું તથા નાજુક ઓપરેશન ઈશ્વરકૃપાથી વિઘ્ન વગર થતાં ટીમની જહેમત લેખે લાગી. આ દરમિયાન માતાને હૂંફ મળે તેમજ ધાવણ જળવાઈ રહે એ સમગ્ર પ્રક્રિયામાં  સ્ટાફ નર્સ ભાનુસિસ્ટરે માનવીય સંવેદનાસભર યોગદાન આપ્યું. આ કાર્યસિદ્ધિથી આજે એન.આઈ.સી.યું.નું વાતાવરણ હરખથી ઉત્સવમય બની ગયું હતું.