Site icon Revoi.in

વડોદરાની M S યુનિવર્સિટી વિવાદોનું કેન્દ્ર બની, અધ્યાપકોને માથે વહિવટી જવાબદારી

Social Share

વડોદરાઃ પ્રતિષ્ઠિત ગણાતી એસ એસ યુનિવર્સિટી વિવાદોનું પર્યાય બનતી જાય છે. રોજબરોજ નવા વિવાદો ઊબા થઈ રહ્યા છે. પ્રવેશનો પ્રશ્ન ઉકેલાયો નથી ત્યાં હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે મેસનો પ્રશ્ને વિવાદ ઊભો થયો છે. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે મેસ ફરજિયાત બનાવાતા વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. જ્યારે અધ્યાપકોને ભણાવવા ઉપરાંત વહિવટી કામ સોંપાતા વિવાદ સાથે વિરોધ ઊભો થયો છે. યુનિવર્સિટી હેડ ઓફિસનો ઘણો ખરો વહીવટ પણ અધ્યાપકોના જ ભરોસે ચાલી રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ એમએસ યુનિવર્સિટીના વહીવટના સર્વોચ્ચ વડા ગણાતા રજિસ્ટ્રાર ડો.ચૂડાસમા પોતે ઈકોનોમિક્સના અધ્યાપક છે. માત્ર વહીવટની જ નહીં પણ ડેમેજ કંટ્રોલ માટે પણ તેમને ઘણી વખત આગળ કરી દેવાય છે. બીજી તરફ પરીક્ષા વિભાગ દ્વારા પરિણામો સમયસર જાહેર કરવામાં આવે તે માટે સોશિયલ વર્ક ફેકલ્ટીના પૂર્વ ડીન પ્રો.ભાવના મહેતાને કંટ્રોલર ઓફ એક્ઝામિનેશનની જવાબદારી સોંપી દેવાઈ છે. ઉપરાંત  પરીક્ષા વિભાગના ડેપ્યુટી રજિસ્ટ્રાર પદેથી દર્શન મારુ રાજીનામુ આપી ચૂકયા બાદ આ હોદ્દો ખાલી પડેલો છે.

આ ઉપરાંત યુનિવર્સિટીના પીઆરઓની પાદરા કોલેજમાં ટ્રાન્સફર કરી દેવાયા બાદ હવે આ વિભાગની ઓએસડી તરીકેની જવાબદારી ઈંગ્લિશ ડિપાર્ટમેન્ટના હેડ  પ્રો.હિતેશ રાવિયાને સુપરત  કરાઈ છે. જેમણે વિદ્યાર્થીઓની રજૂઆતો પણ સાંભળવી પડે છે. અધ્યાપકોના પગાર , નિમણૂંકો સહિતની બાબતો  હેડ ઓફિસનો એકેડમિક વિભાગ સંભાળે છે. જેના ઓએસડી તરીકે કોમર્સના અધ્યાપક પ્રો.જે કે પંડયાની નિમણૂંક કરી દેવામાં આવી છે. આમ યુનિવર્સિટીના ચાર વરિષ્ઠ અધ્યાપકોને યુનિવર્સિટીના વહીવટનુ સંચાલન કરવામાં ઘણો ખરો સમય આપવો પડે છે. તેના કારણે  વિદ્યાર્થીઓને ભણાવવાનુ તેમનુ કામ પણ પ્રભાવિત થઈ રહ્યુ છે.