ભુજ : અષાઢ મહિનાના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે જેઠ મહિનાના અંતમાં કચ્છના કેટલાક વિસ્તારોમાં વૈશાખ જેવી કાળઝાળ ગરમીનો લોકોને અહેસાસ થઈ રહ્યો છે. ભૂજમાં તો શનિવારે 43.6 ડિગ્રી તાપમાનથી લોકો અકળાયા હતા. જોકે ચોમાસાના સત્તાવાર આગમનની જોવાતી વાટ વચ્ચે જિલ્લાના ઘણા વિસ્તારો જેઠના આગોતરા વરસાદથી ભીંજાયા હતા. જો કે જેઠની વિદાય સમયે કચ્છમાં ચૈત્ર-વૈશાખ જેવો આકરો તાપ વરસવાનું શરૂ થતાં સરહદી જિલ્લાનું જનજીવન મેઘ વર્ષાના બદલે અગન વર્ષાથી અકળાઇ ઉઠયું છે.
કચ્છના જિલ્લા મથક ભુજમાં શનિવારે ત્રણ ડિગ્રીના વધારા સાથે મહતમ પારો 43.6 ડિગ્રીએ પહોંચતા ચોમાસામાં ઉનાળુ અકળામણથી ભુજવાસીઓ ત્રાહીમામ પોકારી ઉઠયા હતા. 43.6 ડિગ્રીએ ભુજ રાજ્યનું સર્વાધિક ગરમ મથક બનવા સાથે જુનમાં વિતેલા દાયકાનો બીજો ગરમ દિવસ અનુભવાયો હતો જિલ્લા મથકે આ પૂર્વ 2019 અને 2014માં જુનમાં તાપમાન 44.2 ડિગ્રીએ પહોંચ્યું હતું તે’ પછીનું આ બીજું સર્વાધિક ઊંચુ તાપમાન છે. છેલ્લા ત્રણ દિવસથી પારો 40 ડિગ્રીથી ઉપર રહેતાં ઉનાળાએ પુન: પધરામણી કરી હોય તેવો માહોલ અનુભવાતાં ભુજવાસીઓ હવે વેળાસર મેઘરાજા મહેર વરસાવી ગરમી ઉકળાટથી મુક્તિ આપે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.
ભૂજમાં સાંજના સમયે ભેજ સાવ તળિયે જતાં લૂની દાહકતા વધુ આકરી વર્તાઇ હતી. શનિવારે કંડલા પોર્ટ, અંજાર, ગાંધીધામ સહિતના વિસ્તારોમાં ઉનાળાએ જાણે કે પુછડું વિંઝયું હોય તેવો માથું ફાડી નાખતો અને ચામડી દઝાડતો તાપ અનુભવાતાં લોકોની રીતસરની અગન કસોટી થઇ હતી. 42 ડિગ્રીએ રાજ્યમાં સર્વાધિક તપેલા નલિયામાં પારો સતત બીજજા દિવસે 42 ડિગ્રીએ અટકેલો રહેતાં શિયાળામાં ઠરતું આ મથક કાળઝાળ ગરમીમાં શેકાયું હતું.
અત્રે નોંધનીય છે કે નલિયામાં વિતેલા દાયકાનો શનિવારે સૌથી ગરમ દિવસ હતો. આ તરફ હવામાન વિભાગે કચ્છના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરી છે. ભુજના પાંચ દિવસના સ્થાનિક વર્તારામાં થન્ડર સ્ટોર્મ એકટીવીટી સર્જાવવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષના જુન માસની તુલનાએ ચાલુ સાલે જુન માસમાં સરેરાશ ઓછો વરસાદ વરસ્યો છે. રાજ્યના જે 12 તાલુકા વરસાદ વિહોણા છે તેમાં કચ્છના પાંચ તાલુકાનો સમાવેશ થાય છે હવામાન નિષ્ણાતોનું માનીએ તો પવનની દિશા બદલાતાં ગરમીની તિવ્રતામાં વધારો થયો છે. આકરા તાપ થકી આગામી દિવસોમાં મેઘ મહેરથી જિલ્લો તરબોળ બને તેવી શક્યતા દેખાડવામાં આવી છે.