Site icon Revoi.in

વસંતે વૈશાખી વાયરા, તાપમાનનો પારો 41 ડિગ્રીએ પહોંચ્યો, યલો-ઓરેન્જ એલર્ટ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના પ્રારંભે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. વસંતની સીઝનમાં જ વૈશીખી વાયરા ફુંકાઈ રહ્યા હોય એવો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. હજુ માર્ચ મહિનો અડધે પહોંચ્યો છે, ત્યાં તો અમદાવાદમાં ગરમીનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો છે.

હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં આજે મંગળવારે તાપમાનમાં વધારો નોંધાયો હતો. અમદાવાદ શહેરનું તાપમાન  આજે મંગળવારે 41 ડિગ્રી પર પહોંચી ગયું હતું.  આવતી કાલ બુધવાર સુધી રાજ્યમાં ઓરેન્જ અને યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે.  આજે મંગળવારે અમદાવાદ સહિત બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં સામાન્ય કરતા વધુ તાપમાન નોંધાયું હતું. કાલે  બુધવારે પણ રાજ્યના ઘણાં ભાગોમાં હીટવેવની અસર રહેશે. હીટવેવ દરમિયાન લાંબા સમય સુધી ગરમીમાં કે ભારે કામ કરનારા લોકોને બીમાર બનાવી શકે છે. આ સિવાય જેમની તબિયત સારી નથી રહેતી તેમણે પણ યલો એલર્ટ દરમિયાન કાળજી રાખવી  જરૂરી છે.

ગુજરાતના હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું. કે, આગામી બે દિવસ તાપમાન એકથી બે ડીગ્રી વધી શકે છે. હીટવેવની ગંભીર અસર સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોવા મળશે. આ સાથે અમદાવાદમાં તાપામાનનો પારો બુધવારે પણ 41°C રહેવાની સંભાવના છે. 10 વર્ષમાં પહેલીવાર 15 માર્ચ પહેલા ગરમી 40 ડિગ્રીને પાર થઈ ગઈ છે. સોમવારે અમદાવાદ, સુરેન્દ્રનગર, અમરેલી, ડીસા, રાજકોટ સહિત 7 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર નોંધાયો હતો. એન્ટિ સાઈક્લોનિક સરક્યુલેશનથી પવનની દિશા બદલાવા સાથે ગરમ-સૂકા પવનની અસરથી અમદાવાદ સહિત મોટાભાગના શહેરોમાં ગરમીનું મોજુ ફરી વ‌ળ્યું છે. આગામી ત્રણ દિવસો દરમિયાન અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત કચ્છ-સૌરાષ્ટ્ર, બનાસકાંઠા અને સાબરકાંઠા જેવા વિસ્તારોમાં હિટવેવથી ગરમી વધુ 2 ડિગ્રી વધવાની વકી છે.

રાજ્યના આરોગ્ય નિષ્ણાંતના જણાવ્યા પ્રમાણે હીટવેવ દરમિયાન લાંબો સમય સૂર્ય પ્રકાશમાં રહેવાનું ટાળવું જોઈએ. આ દરમિયાન તાજેતરમાં જન્મેલા બાળકો, વૃદ્ધો અને ગંભીર બીમારીથી પીડાતા લોકોની પણ ખાસ કાળજી રાખવી જરુરી છે. હવામાન વિભાગે પણ હીટવેવ દરમિયાન બહાર નીકળવું જરુરી બને તો માથું અને શરીર હળવા રંગના સુતરાઉના કપડાથી ઢંકાયેલુ રહે તેનું ધ્યાન રાખવું. આ સાથે શરીરમાં પાણી ઓછું ના થાય તે માટે તરસ ના લાગી હોય છતાં પાણી પીતા રહેવું જોઈએ તેવી સલાહ આપવામાં આવી છે.