દિલ્હીઃ ભારતના સુપ્રસિદ્ધ યાત્રાધામ વૈષ્ણોદેવીમાં દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. દરમિયાન છેલ્લા 20 વર્ષના સમયગાળામાં મંદિરને 1800 કિલો સોનુ ભક્તોએ દાન કર્યું હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં 4700 કિલો ચાંદી અને રૂ. બે હજાર કરોડ દાનમાં ભક્તોએ માતાજીના ચરણોમાં અર્પણ કર્યાં હોવાનું આરટીઆઈમાં ખુલાસો થયો છે.
વૈષ્ણો દેવી મંદિર હિન્દુ આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે. 1986 માં સરકારે શ્રાઇન બોર્ડની રચના કરી હતી. આ બોર્ડ મંદિરની દેખરેખ રાખે છે. માતાજીના દર્શન કરવા માટે દર વર્ષે સરેરાશ 50 હજાર ભક્તો અહીં આવે છે. વર્ષ 2018 અને 2019માં 80 લાખ જેટલા ભક્તો દર્શન કરવા આવ્યાં હતા. જ્યારે 2020માં 17 હજાર ભક્તોએ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. માતા વૈષ્ણો દેવી મંદિરમાં કોરોના સંકટને કારણે ભક્તોની સંખ્યામાં 78 ટકાનો ઘટાડો થયો છે.
આરટીઆઈ એક્ટિવિસ્ટ હેમંત ગૌનીયાએ જણાવ્યું હતું કે, દાનની માહિતી મેળવવા માટે લેફ્ટનન્ટ ગવર્નરની ઓફિસમાં આરટીઆઇ દાખલ કરી હતી. આ આરટીઆઈ કટરા ખાતે આવેલ શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડને મોકલવામાં આવી હતી. ‘હું જાણવા માંગતો હતો કે આ વર્ષો દરમિયાન મંદિરને દાન તરીકે કેટલું ધન પ્રાપ્ત થયું છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આ મંદિરની મુલાકાત લે છે. મને અપેક્ષા નહોતી કે મંદિરને વર્ષોથી સોના, ચાંદી અને રોકડ રૂપે આટલી મોટી રકમ દાનમાં પ્રાપ્ત થઈ છે.