Site icon Revoi.in

ભાવનગરના વલ્લભીપુરના ભાલ વિસ્તારમાં કાળઝાળ ગરમીમાં પાણી માટે વલખાં મારતી નીલગાયો

Social Share

ભાવનગરઃ  ગોહિલવાડ પંથકમાં માવઠા સાથે લોકો કાળઝાળ ગરમીનો પણ અહેસાસ કરી રહ્યા છે. જેમાં વલ્લભીપુરના ભાલના વેરાન વિસ્તાર કે જ્યાં કાળિયાર અભ્યારણ્ય આવેલું છે. આ વિસ્તારમાં કાળિયાર ઉપરાંત નીલગાયોનો પણ સારોએવો વસવાટ છે. ઘાંસિયા મેદાનને કારણે પુરતો ખોરાક મળી રહેતો હોવાથી નીલ ગાયો પણ મોટા પ્રમાણ જોવા મળી રહી છે. પુરંતુ હાલ ઉનાળાને લીઘે આ વિસ્તારમાં આકાશમાંથી અંગારા ઓકતી ગરમી વરસી રહી છે. તેના લીધે કાળિયાર ઉપરાંત નીયગાયોને માટે પીવાના પાણીનો પ્રશ્ન સર્જાયો છે. નીલ ગાયો પીવાના પાણી માટે રઝળપાટ કરતી જોવા મળી રહી છે.

વલ્લભીપુરના ભાલ પંથકમાં તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. આ વિસ્તારના ગામડાંમાં પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે. જ્યારે ભાલના અફાટ વિસ્તારોમાં નીલગાયો પાણીની શોધમાં રઝળપાટ કરતી જોવા મળી રહી છે. સીમ ખેતરોમાં નીલ ગાયો (રોજડા)ના આંટા ફેરા શરૂ થઇ ગયા છે.સીમ ખેતરોમાં આવેલા નાના મોટા ચેકડેમો અને વેકળાઓ સુકાવા લાગ્યા છે. તેથી પાણી અને ખોરાક માટે જે ખેતર વાડીઓમાં પિયત થતું હોય તેવી વાડીઓ અને જે ખેતરોની આસપાસ તેમજ મહી પરીએજ યોજનાની પાઇપ લાઇનો પસાર થતી હોય તેમાંથી લીકેજ થતું પાણીનું ખાબોચીયું ભરાઇ તેમાંથી પાણી પીવા માટે નીલગાયોના ટોળાં આવતા હોય છે

સૂત્રોના કહેવા મુજબ આ વિસ્તારમાં નીલ ગાયો રાત્રિના સમયે પણ હાઈવે પર રઝળપાટ કરતી હોય છે.આથી રાત્રીનાં સમયે વલભીપુર થી ભાવનગર તરફ જતા ઘાંઘળી સુધી અને અમરેલી બાજુ જતાં રાજસ્થળીના પાટીયા સુધી વાહન ચાલકોએ બહુજ સાવચેતી રાખવી જરૂરી બની છે કારણ કે નીલગાયોનું ટોળુ અથવા એકલ દોકલ નીલ ગાય હાઇવે ક્રોસ કરતી હોય છે તેના કારણે ઘણી વાર વાહન અકસ્માતોના બનાવો બનતા હોય છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા આ વિસ્તારમાં પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી માગ પણ ઊઠી છે.