Site icon Revoi.in

નવસારીના ભીનારમાં જાનકી વાવથી આજે વનસેતુ યાત્રાનો મુખ્યમંત્રી દ્વારા પ્રસ્થાન કરાવાશે

Social Share

ગાંધીનગરઃ રાજ્યના પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલે વન સેતુ ચેતના યાત્રા વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, આદિજાતિ બાંધવોને સ્પર્શતી 5 દિવસની “વન સેતુ ચેતના યાત્રા”નો મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલ અને નવસારીના સાસંદ  સી.આર. પાટીલના હસ્તે આજે તા.18 જાન્યુઆરીના રોજ નવસારી જિલ્લાના ભીનાર ખાતે આવેલા ‘જાનકી વન’ ખાતેથી પ્રસ્થાન કરવામાં આવશે. આ યાત્રા વલસાડ,નવસારી, ડાંગ,  તાપી, સુરત, ભરુચ, નર્મદા, પંચમહાલ,  છોટાઉદેપુર,  દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠા એમ કુલ 14 જિલ્લામાંથી પસાર થઈ અંદાજિત 1000 કી.મીનું અંતર કાપી તા.22 જાન્યુઆરીએ અંબાજી ખાતે પૂર્ણ થશે.

નવસારીના ભીનારમાં જાનકી વાવથી આજે વનસંતુ યાત્રાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રસ્થાન કરાવશે. પાંચ દિવસીય આ યાત્રામાં અંદાજિત 51 જેટલા આદિજાતિ તાલુકાના ગામોના અંદાજિત 3 લાખ આદિવાસી ભાઈઓ બહેનોને સાંકળી લેવામાં આવશે. આ યાત્રાના માર્ગમાં આવતા દરેક જિલ્લામાં 1 સ્ટેજ પ્રોગ્રામ અને 3 સ્થળોએ સ્વાગત કાર્યક્રમ, રાત્રીના સમયે ભજન સંધ્યા કાર્યક્રમ તેમજ યાત્રાના માર્ગમાં આવતા પ્રસિધ્ધ મંદિરોએ દર્શન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રવક્તા મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આ યાત્રા દરમિયાન વનસહભાગી મંડળીઓ જોડે મુલાકાત અને સંવાદ, મહિલા સ્વસહાય જૂથો સાથે મુલાકાત, વિશેષ સિધ્ધી પ્રાપ્ત કરનાર આદિવાસીઓનું સન્માન, સરકારના 20 વર્ષની સિધ્ધીઓનો અહેવાલ, રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાની સકારાત્મક ઉજવણી,  સરકારી યોજનાઓની સમીક્ષા, એફ.આર.એ ના લાભો, યાત્રી સભા, જંગલ વિસ્તારના ગામોમાં વસતા આદિજાતિ સમુદાયના લોકોને મળી, રૂબરૂ સંવાદ થકી સ્થાનિક લોકોની સમસ્યાઓનું નિરાકરણ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે