નવી દિલ્હીઃ કેન્યામાં હિંસક વિરોધ પ્રદર્શનને કારણે ભારત સરકારે આફ્રિકન દેશમાં વર્તમાન તંગ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેના નાગરિકોને સાવધાની રાખવાની સલાહ આપી છે. કેન્યામાં ભારતીય હાઈ કમિશને એક પોસ્ટમાં જણાવ્યું હતું કે વર્તમાન તંગ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, કેન્યામાં વસતા તમામ ભારતીયોને અત્યંત સાવધાની રાખવાની, બિનજરૂરી હિલચાલને પ્રતિબંધિત કરવાની અને જ્યાં સુધી સ્થિતિ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી વિરોધ અને હિંસાથી પ્રભાવિત વિસ્તારોમાં નહિ જવાની સલાહ આપવામાં આવે છે.
ભારતીય હાઈ કમિશને કહ્યું કે કેન્યામાં રહેતા ભારતીય નાગરિકોએ અપડેટ્સ માટે સ્થાનિક સમાચાર અને મિશનની વેબસાઈટ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સને ફોલો કરવા જોઈએ. ભારત સરકાર સ્થિતિ પર નજર રાખી રહી છે. એક સત્તાવાર અનુમાન મુજબ, કેન્યામાં હાલમાં લગભગ 20,000 ભારતીયો રહે છે.
કેન્યામાં ટેક્સનો બોજ વધવાથી ગુસ્સે થયેલા લોકો મંગળવારે સંસદ સંકુલમાં ઘૂસી ગયા હતા અને સંસદની ઇમારતના એક ભાગમાં આગ લગાવી દીધી હતી. નૈરોબીમાં દેખાવો દરમિયાન દેખાવકારો અને પોલીસ સાથેની અથડામણમાં 10 લોકોના મોત થયા છે. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, આ પ્રદર્શનમાં મોટાભાગે યુવાનોએ ભાગ લીધો હતો. સંસદમાં હિંસા દરમિયાન સાંસદોને ભૂગર્ભ સુરંગ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. વિરોધીઓએ સંસદ પરિસરમાં પણ તોડફોડ કરી હતી.
કેન્યાની રાજધાની નૈરોબી સહિત દેશના અન્ય ઘણા શહેરોમાં લોકો હંગામો મચાવી રહ્યા છે. સરકાર દ્વારા ટેક્સ વધારા સંબંધિત પ્રસ્તાવને આપવામાં આવેલી મંજૂરી સામે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. કેન્યામાં મોંઘવારી ચરમસીમાએ છે અને કરવેરાના વધતા બોજને કારણે લોકો પરેશાન છે. આવી સ્થિતિમાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
કેન્યામાં લોકોનો ગુસ્સો ત્યારે ફાટી નીકળ્યો જ્યારે તેમને ખબર પડી કે સંસદમાં ટેક્સ સંબંધિત બિલ રજૂ કરવામાં આવ્યું છે. આ વિરોધકર્તાઓએ માંગ કરી હતી કે સાંસદો આ વિવાદાસ્પદ ફાઇનાન્સ બિલ વિરૂદ્ધ મતદાન કરે, પરંતુ જ્યારે આવું ન થયું ત્યારે વિરોધીઓએ સંસદમાં ઘૂસીને હંગામો મચાવ્યો અને બિલ્ડિંગના એક ભાગને આગ ચાંપી દીધી.
કેન્યાના રાષ્ટ્રપતિ રૂટોથી પણ લોકો નારાજ છે. વિરોધીઓએ રૂટો પર વિશ્વાસઘાતનો આરોપ લગાવતા કહ્યું કે તેણે 2022માં રાષ્ટ્રપતિ બન્યા બાદ જનતા સાથે દગો કર્યો છે. દેખાવકારોનો આરોપ છે કે રૂટોએ ગરીબોને મદદ કરવાનું વચન આપ્યું હતું. તેમણે ટેક્સ ન વધારવા અને લોનની કિંમતમાં ઘટાડો કરવા માટે સરકારના નવા ફાઇનાન્સ બિલને સંપૂર્ણપણે નકારી કાઢવાની વાત કરી હતી.