Site icon Revoi.in

વંદે ભારત એક્સપ્રેસે અમદાવાદથી મુંબઈ વચ્ચેની 491 કિમીની સફર 5.14 કલાકમાં પૂરી કરી

Social Share

અમદાવાદ:રેલવે મુસાફરો માટે સારા સમાચાર છે.ભારતીય રેલવેએ મુંબઈ-અમદાવાદ રૂટ પર સેમી-હાઈ સ્પીડ ઈન્ટરસિટી ટ્રેન એટલે કે વંદે ભારત એક્સપ્રેસ સફળતાપૂર્વક ચલાવી છે.અહેવાલ મુજબ, વંદે ભારત એક્સપ્રેસે અમદાવાદ-મુંબઈ વચ્ચે 5 કલાકની ટ્રાયલ રનમાં કોઈપણ સ્ટોપેજ વિના તેની મુસાફરી પૂર્ણ કરી હતી.આ એ જ રૂટ છે જેના પર બુલેટ ટ્રેન દોડાવવાની તૈયારી ચાલી રહી છે.ખાસ વાત એ છે કે વંદે ભારતે પણ એક રીતે બુલેટ ટ્રેનનો રેકોર્ડ તોડ્યો છે.

પશ્ચિમ રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતીમાં જણાવાયું છે કે,9 સપ્ટેમ્બર, 2022ના રોજ અમદાવાદ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે વંદે ભારતની ટ્રાયલ રન લેવામાં આવી હતી, જેમાં આ ટ્રેને માત્ર 52 સેકન્ડમાં 0-100 કિમી પ્રતિ કલાકની સ્પીડ હાંસલ કરી હતી.અગાઉ બુલેટ ટ્રેન અથવા સેમી-હાઈ સ્પીડ ટ્રેનની ટ્રાયલ રન લેવામાં આવી હતી જેમાં 0-100 કિમી પ્રતિ કલાકની સ્પીડ 54.6 સેકન્ડમાં પૂરી કરવામાં આવી હતી.પશ્ચિમ રેલવેએ ટ્વિટ કરીને આ જાણકારી આપી છે.

અહેવાલ મુજબ, વંદે ભારત એક્સપ્રેસે અમદાવાદથી મુંબઈ વચ્ચેની 491 કિમીની સફર 5 કલાક 14 મિનિટમાં પૂરી કરી હતી, તે પણ કોઈપણ સ્ટેશન પર રોકાયા વિના. ત્યાંથી પાછા ફરવામાં પણ ઓછો સમય લાગ્યો અને ટ્રેને મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદની મુસાફરી 5 કલાક 4 મિનિટમાં પૂરી કરી. જો આ ટ્રેનનું સ્ટોપેજ શરૂ કરવામાં આવે તો બંને શહેરો વચ્ચેનું અંતર 6 કલાકમાં પૂરું થઈ જશે.

વંદે ભારત ટ્રેન અમદાવાદ-મુંબઈ રૂટ પર દોડાવવાની છે.અગાઉ તેને દિલ્હી-વારાણસી રૂટ પર શરૂ કરવામાં આવી છે. હવે અમદાવાદ-મુંબઈ રૂટ માટે તમામ તૈયારીઓ ચાલી રહી છે. જો બધુ યોજના મુજબ ચાલશે તો દશેરા કે દિવાળી સુધી આ રૂટ પર વંદે ભારત શરૂ થશે.ટ્રાયલ રન પૂરા થયા બાદ રેલવેએ મુખ્ય કમિશનર, રેલવે સેફ્ટી પાસેથી પરવાનગી લેવી પડશે. ત્યારબાદ તેની કામગીરી શરૂ કરવામાં આવશે.