Site icon Revoi.in

અમદાવાદ-મુંબઈ વચ્ચે 130 કિમીની ઝડપે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડાવાશે

Social Share

અમદાવાદઃ મુંબઈ જતાં પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. અમદાવાદ મુંબઈ વચ્ચે દોડતી તમામ ટ્રેનોને પુરતો ટ્રાફિક મળી રહ્યો છે. ત્યારે દેશમાં પ્રથમ વખત અમદાવાદ મુંબઇ વચ્ચે 20 કોચની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને દોડવા માટે રેલવે તંત્રએ તૈયારી શરૂ કરી છે. આ ટ્રેન દોડાવવા માટે રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટાડર્ડ ઓર્ગેનાઇઝેશને પશ્ચિમ રેલવેને લીલીઝંડી આપી દીધી છે, જેથી પશ્ચિમ રેલવે દ્વારા આવતી કાલે તા.9મી ઓગસ્ટને શુક્રવારે 20 કોચની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની 130 કિમીની ઝડપે ટ્રાયલ લેવાશે.

અમદાવાદ-મુંબઇ વચ્ચે હાલ 16 કોચની 2 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડી રહી છે, જેને 100 ટકા પેસેન્જરો મળી રહ્યા છે. આમ, ટ્રેનને સારો પ્રતિસાદ મળતાં પશ્ચિમ રેલવેએ પેસેન્જરોની અવર જવરને ધ્યાનમાં રાખીને હવે અમદાવાદ-વડોદરા-સુરત-મુંબઇ સેન્ટ્રલ વચ્ચે 20 કોચની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડાવવાની તૈયારી શરૂ કરી છે. 20 કોચની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન 130 કિમીની સ્પીડે દોડી શકે તે રીતે ડિઝાઇન કરવામાં આવી છે, જેથી પશ્ચિમ રેલવે ટ્રેનને 130 કિમીની મહત્તમ સ્પીડે દોડાવીને ટ્રાયલ રન લેશે. જો કે, આ ટ્રાયલ દરમિયાન હવામાનની પરિસ્થિતિને પણ ધ્યાને લેવામાં આવશે. ટ્રાયલ વખતે પેસેન્જરને બેસાડાશે નહીં અને અમદાવાદથી મુંબઇ માંડીને રેલવે સ્ટેશનો સાથે રેલવે ક્રોસિંગ પર આરપીએફના જવાનોને તૈનાત રાખવામાં આવશે, જેથી કરીને આકસ્મિક ઘટના સમયે પરિસ્થિતિ પર કાબૂ મેળવી શકાય.

પશ્વિમ રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ  મુંબઇ વચ્ચે 20 કોચની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો ટ્રાયલ રન આવતી કાલે તા.9મી ઓગસ્ટને શુક્રવારે લેવાશે. ટ્રાયલ દરમિયાન અપ-ડાઉન લાઇનમાં સમગ્ર રૂટ પર લઘુત્તમ હંગામી ગતિના પ્રતિબંધની ખાતરી કરાશે. પરીક્ષણો મહત્તમ ગતિએ હાથ ધરવામાં આવશે અને તમામ અસ્થાયી અને કાયમી પ્રતિબંધોનું પાલન કરાશે. 20 કોચની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સેટની તપાસ સી એન્ડ ડબ્લ્યુની ટીમ કરશે તેમજ 130 કિમી પ્રતિ કલાકે દોડવવાનું સર્ટિફિકેટ મેળવવું તેમજ તમામ કોચની તપાસ હાથ ધરવામાં આવશે. 20 કોચવાળી વંદે ભારત ટ્રેનમાં એકસાથે કામ કરવા સક્ષમ વંદે ભારત ક્રૂ અને ગાર્ડની જોગવાઈ કરાશે. 20-કોચ માટે પેસેજ અને ગ્રીન સિગ્નલ સુનિશ્ચિત કરવા માટે ઓપરેશનલ ઓફિસરને નિયુક્ત કરવામાં આવશે. તેમજ 20 કોચની વંદે ભારત ટ્રેનનો સેટ મોંઘા સાધનોથી સજ્જ હશે, તેથી 24 કલાક સુરક્ષા માટે RPF તૈનાત કરાશે.