Site icon Revoi.in

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં 6 કલાકમાં અમદાવાદથી મુંબઈ પહોંચાશે, અમદાવાદમાં ટ્રાયલ-રન કરાયું

Social Share

અમદાવાદ-મુંબઈ વચ્ચે સેમી હાઇસ્પીડ ટ્રેન ‘વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન’ની ભેટ ગુજરાતને મળી છે અને દેશની ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન નવરાત્રિમાં અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી થાય એની તૈયારીના ભાગરૂપે કાલુપુર રેલવે સ્ટેશનથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો ટ્રાયલ રન કરવામાં આવ્યો હતું. ટ્રેનને 130 કિમીની ઝડપે દોડાવીને ટ્રાયલ રન કરવામાં આવ્યો છે. ટ્રાયલ રન દરમિયાન વડોદરા સ્ટેશન પર હોલ્ટ લીધા બાદ સીધી મુંબઈ ખાતે આ ટ્રેન ઊભી રહેશે. આ ટ્રેન મારફતે અમદાવાદથી મુંબઈ માત્ર છ કલાકમાં જ પહોંચી જવાશે.

સુત્રોના જણાવ્યા અનુસાર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન 180થી 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડવાની ક્ષમતા ધરાવે છે. ટ્રાયલ સફળ થયા બાદ નવરાત્રિમાં આ ટ્રેન અમદાવાદ મુંબઈ વચ્ચે શરૂ થાય એવી પૂરી શક્યતા છે. આરામદાયક સુવિધાથી સજ્જ આ વંદે ભારત સપ્તાહમાં 6 દિવસ દોડશે.

અમદાવાદ- મુંબઈનું ભાડું રૂ.3500 હશે. અમદાવાદથી સવારે 7.25 વાગે ઊપડી બપોરે 13.30 વાગે મુંબઈ પહોંચશે, જ્યારે મુંબઇથી આ ટ્રેન બપોરે 14.40 વાગે ઊપડી રાતે 21.05 વાગે અમદાવાદ પહોંચશે. સુરત ખાતે આ ટ્રેનનું કોમર્શિયલ સ્ટોપેજ અપાયું છે.

ચેરકાર અને એક્ઝિક્યુટિવ ચેરકાર સીટ ધરાવતી આ ટ્રેનનું ભાડું શતાબ્દીથી સામાન્ય વધુ અને તેજસ કરતા ઓછું રહેશે. વર્ષ 2023 સુધીમાં અમદાવાદ-મુંબઈ સહિત 75 રૂટ પર ટ્રેન દોડાવાશે. પેસેન્જરોને ઈન્ફર્મેશન સિસ્ટમ, સીસીટીવી કેમેરા, ઓટોમેટિક સ્લાઈડિંગ ડોર, સ્મોકિંગ ડિરેક્શન એલાર્મ જેવી સુવિધા અપાઈ છે.