અમદાવાદ: દેશમાં સૌ પ્રથમ ગાંધીનગર-મુંબઈ વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી અને તેની સફળતા બાદ દેશના વિવિધ રૂટ્સ પર વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં જ રાજસ્થાનને વંદેભારત ટ્રેન મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનની વંદેભારત ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યુ છે . 2024ની લોકસભાની ચૂંટણી નજીક હોવાથી હાલ કેન્દ્ર સરકાર જનહિતના અનેક નિર્ણય કરી રહી છે, ત્યારે વંદેભારત ટ્રેન વધુ કેટલાક સ્ટેશન પર દોડવાની તૈયારીમાં છે. વંદેભારત ઉદેપુર વાયા હિંમતનગર, અમદાવાદ થઈને મુંબઈના બાંદ્રા સુધીની શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ઉદેપુર-મુંબઈ વાયા હિંમતનગર, અમદાવાદ રૂટ્સ પર વંદે ભારત ટ્રેન આગામી ત્રણ મહિનામાં શરૂ કરવામાં આવશે. રેલવે મંત્રાલય દ્વારા દક્ષિણ ભારતમાં તૈયાર થઈ રહેલા કોચને રોડ માર્ગે જે તે સ્ટેશન પર લવાયા બાદ વંદેભારત ટ્રેનને શરૂ કરવામાં આવશે. અત્યારે ઉદેપુર-અમદાવાદ વચ્ચે શરૂ થનારા રેલવે ટ્રેક પર વિદ્યુતીકરણનું કામકાજ ચાલી રહ્યું છે.આ વિદ્યુતિકરણનું કામકાજ પૂર્ણ થયા બાદ નવી ટ્રેન શરૂ કરવામાં આવશે. દેશમાં હાલ વંદેભારત ટ્રેન ખૂબ પ્રખ્યાત થઈ છે. અમદાવાદ-મુંબઈ વચ્ચેની વંદેભારત ટ્રેન શરૂ થયા બાદ દેશમાં અનેક જગ્યા પર વંદેભારત ટ્રેન શરૂ કરવામાં આવી રહી છે. થોડા દિવસ પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક વંદેભારત ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યુ હતુ. હવે લેકસિટી તરીકે ખ્યાતિ પામેલા ઉદેપુરને અન્ય રાજ્યો સાથે જોડવાની તૈયારી હાલ રેલવે વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે. અને આગામી 3 મહિનામાં ઉદેપુરથી બાંદ્રા સુધીની વંદેભારત ટ્રેન શરૂ કરવામાં આવશે. આ ટ્રેનનો લાભ સાબરકાઠા અને અરવલ્લીની પ્રજાને મળશે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ઉદેપુરથી અમદાવાદ સુધી બ્રોડગેજ રેલવે લાઈનનું ઈલેક્ટ્રીફિકેશનનું કામકાજ ચાલી રહ્યું છે, જે પૂર્ણ થતાં ત્રણ મહિનામાં વંદેભારત ટ્રેન શરૂ થઈ જશે. વંદેભારત ટ્રેનમાં ચેરકાર અને એક્ઝીક્યુટીવ ક્લાસની મુસાફરીનો લાભ મળશે. આ ટ્રેનમાં વાતાનુકૂલિત ચેરકારના ડબ્બા, 2 AC એક્ઝિક્યુટિવ ચેરકાર મળીને કુલ 16 ડબ્બા ટ્રેન અને 2 ડ્રાઈવિંગ કોચ હશે. વંદેભારત ટ્રેનના કોચ ચેન્નાઈના પેરંબુર સ્થિત ઈન્ટીગ્રલ કોચ ફેક્ટરીમાં તૈયાર થાય બાદ રેલવે મંત્રાલયની સૂચના મુજબ આ સડકમાર્ગે વિવિધ સ્થળે મોકલી આપવામાં આવે છે.