ગુજરાત સરકારની 20 વર્ષની કામગીરીના પ્રચાર માટે આજથી વંદે ગુજરાત વિકાસ યાત્રા નીકળશે
ગાંધીનગરઃ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ સોમવારે શરૂ થવાની હતી. પરંતુ આ યાત્રાની તારીખમાં ફરી એક વખત ફેરફાર કરાયો હતો આ યાત્રા હવે આજે એટલે કે 5 જુલાઈ ના રોજ પ્રસ્થાન પામશે. અમદાવાદ શહેરમાં આજે મંગળવારે સવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ‘વંદે વિકાસ યાત્રા’ની શરૂઆત કરાવશે. આ કાર્યક્રમ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાશે. આ યાત્રા દ્વારા ભાજપ સરકાર બે દાયકાના કાર્યકાળમાં તેમણે કરેલા વિકાસ કાર્યોને નાગરિકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશે.
સમગ્ર રાજ્યમાં કુલ- 82 રથ દ્વારા વંદે ગુજરાત વિકાસ યાત્રા યોજાશે. છેલ્લા બે દાયકામાં થયેલાં વિકાસનાં કામોને લોકો સુધી પહોચાડવાના પ્રયાસ સ્વરૂપે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિકાસ યાત્રા દરમિયાન 18 જેટલા વિભાગોના સહયોગમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ, નવા મંજુર થયેલા કામોની જાહેરાત, વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ, યોજનાઓનો પ્રચાર પ્રસાર, ફિલ્મ નિદર્શન, સાફલ્ય ગાથા જેવા કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત વંદે ગુજરાત વિકાસ યાત્રા 5મી જુલાઈથી 18 જુલાઈ દરમિયાન યોજાશે.આ કાર્યક્રમના સુચારૂ આયોજન અંગે મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને વિડિયો કોન્ફરન્સ યોજાઇ હતી. જિલ્લાઓના કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે તેમાં આયોજન અંગે વિગતો આપવામાં આવી હતી. વિકાસ યાત્રા અંગે રૂટ પ્લાન બનાવવા, તાલુકા તેમજ ગ્રામીણ કક્ષાની સમિતિ રચવા, અને તેને માર્ગદર્શન આપવા, રથના રાત્રી રોકાણ અને ગામોમાં સરકારની વિવિધ યોજના અંગે પ્રચાર-પ્રસાર કરવા પર ખાસ ધ્યાન આપવા જણાવ્યું હતું.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, આ યાત્રા કાર્યક્રમ અંતર્ગત સરકારના વિવિધ કામો અને યોજનાઓનો પ્રચાર કરવામાં આવશે.વંદે ગુજરાત યાત્રા અંતર્ગત સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓમાં અલગ અલગ પ્રકારના કાર્યક્રમો યોજાશે. જે અંતર્ગત નાગરિકોને ભાજપ સરકારે ગુજરાતમાં કરેલા વિકાસ અંગેની માહિતી આપવામાં આવશે. ગુજરાતના ધારાસભ્યો અને સંસદસભ્યો પોતપોતાના મતવિસ્તારમાં જઈને લોકસંવાદ કરશે. (પ્રતિકાત્મક તસવીર)