Site icon Revoi.in

ગુજરાતની ભાજપ સરકાર દ્વારા વંદે ગુજરાત વિકાસ યાત્રા યોજાશે, જુલાઈમાં ગામેગામ રથ ફરશે

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે 6 મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે ભાજપ દ્વારા પ્રચાર-પ્રસાર જોરશોરથી શરૂ કરી દેવામાં આવ્યો છે. જેમાં હવે ભાજપ સરકાર દ્વારા વંદે ગુજરાત વિકાસ યાત્રા યોજવામાં આવશે.  1લી જૂલાઈથી શરૂ થનારી આ યાત્રામાં 150થી વધુ વંદે ગુજરાત વિકાસ રથોમાં વર્તમાન અને પૂર્વ સરકારના પદાધિકારીઓ 15 દિવસમાં રાજ્યનો એક એક તાલુકો ખુંદી વળશે. આ યાત્રા થકી ભાજપ સરકાર ગુજરાતમાં બે દાયકામાં થયેલા વિકાસ કામોને નાગરિકો સુધી પહોંચાડશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે, ત્યારે જ ગુજરાત સરકાર દ્વારા વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 1થી 15મી જૂલાઈ વચ્ચે યોજનારી ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ના આયોજન માટે કૃષિ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ- ACS મુકેશ પુરીએ 13 જૂન સોમવારે સચિવાલયમાં હાઈ લેવલ બેઠક બોલાવી છે.  ACS મુકેશ પુરીએ ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ના આયોજન અંગેની બેઠક સંદર્ભે સેક્રેટરીઓને પાઠવેલા પત્રમાં કહ્યુ છે કે, જે તે વિભાગ દ્વારા કરવામાં આવનારા વિવિધ પ્રવૃતિ, વિવિધ સહાય વિતરણ, વિકાસકાર્યોનું લોકાપર્ણ, યોજનાઓનો પ્રચાર, સાફલ્યગાથા જેવી માહિતી આપવાની રહેશે. તેના માટે દરેક વિભાગને પોતાના નોડલ ઓફિસર પણ નિયુક્ત કરવાના રહેશે. ACS મુકેશ પુરીએ આ યાત્રા ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગ રૂપે યોજાઈ રહ્યાનું જણાવ્યુ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખી ભાજપ દ્વારા વિસ્તારક યોજના તૈયાર કરાઇ હતી. છ માસ માટેના યુવા વિસ્તારકોએ પહેલા ફેઝમાં 104 વર્ગો યોજ્યા છે અને હવે જૂનના બીજા સપ્તાહમાં બાકી રહેલી વિધાનસભા વિસ્તારોમાં જશે. સમગ્ર 182 વિધાનસભા માટે આ વિસ્તારકો નીકળશે.જે 10,069 શક્તિકેન્દ્રોમાં 12,500 વિસ્તારકો જશે. આ તમામ શક્તિકેન્દ્રો પર જઈને પેજ સમિતિના પ્રમુખો, પેજ સમિતિના સદસ્યો, બૂથની સમિતિ, બૂથમાં રહેલા લાભાર્થીઓનો સંપર્ક કરશે.ભાજપના આ વિરાટ સંપર્ક અભિયાનમાં 51 હજાર બૂથ સુધી વિસ્તારકો ભાજપ સરકારના કાર્યક્રમો, યોજનાઓ, સંગઠનાત્મક બાબતો અંગે જનતા સુધી પહોંચાડવા પ્રયાસ થશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે ભાજપની તૈયારીઓને આખરી ઓપ આપવાની સાથે સાથે સરકાર અને સંગઠનની સજજતા તપાસવા અને ચૂંટણીપ્રચાર સહિતના વ્યૂહરચના નિશ્ચિત ભારતીય જનતા પક્ષની ચિંતન શિબિર યોજાઈ હતી.  ભાજપે નબળા બૂથો પર મજબૂત થવા માટે ધારાસભ્યો અને સાંસદોને કામે લગાડ્યાં છે. કમલમ ખાતે યોજાયેલી બુથ સશક્તિકરણ માટેની બેઠકમાં ચૂંટણીમાં જે બુથ માઈનસ હોય કે પ્લસ હોય તેના ડેટા નેતાઓને આપવામાં આવશે. તે ઉપરાંત તેના તારણો શોધવાનું પણ કામ સોંપાશે. ઓછા માર્જિન વાળા બુથો પર પ્રવાસ કરવા ધારાસભ્યો અને સાંસદ સભ્યોને સૂચના આપી દેવાઈ છે. હવે નેતાઓએ ઓછા માર્જિન વાળા બુથો શોધીને તેમાં ફાયદો કરાવવો પડશે. બીજી તરફ અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટાની 40 સીટો પર ભાજપને ભય લાગી રહ્યો છે. કારણે કે ત્યાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા સતત કામગીરી થઈ રહી છે. (પ્રતિકાત્મક તસવીર)