Site icon Revoi.in

વંદે ગુજરાત યાત્રાનો જસદણના સાણથલી ગામે વિરોધ, મહિલાઓએ મચાવ્યો હોબાળો

Social Share

રાજકોટઃ જિલ્લાના જસદણના સાણથલી ગામે આવેલી તાલુકા શાળા વિસ્તારના લોકો દ્વારા ગંદકી, સફાઈ અને ગટરના તેમજ વરસાદી પાણીના નિકાલ સહિતના પ્રશ્ને અનેકવાર ગ્રામ પંચાયતને રજૂઆતો કરવામાં આવી હોવા છતાં  સત્તાધિશો દ્વારા સમસ્યા હલ કરવાના બદલે આંખ આડા કાન કરવામાં આવતા હોવાથી ગ્રામજનો રોષે ભરાયા હતા અને તાલુકા શાળા ખાતે યોજાયેલા વંદે ગુજરાત વિકાસયાત્રા દરમિયાન ગામના આગેવાનો સાથે 50 જેટલી મહિલાઓએ જસદણ તાલુકા વિકાસ અધિકારીને અને સરપંચને ઉગ્ર રજૂઆત કરીને હોબાળો મચાવ્યો હતો.

રાજ્યના વિકાસની ગ્રામજનોને માહિતી આપવા માટે સરકાર દ્વારા વંદે ગુજરાત યાત્રાનું આયોજન કર્યું છે, અને વંદે ગુજરાત યાત્રાનો રથ ગામેગામ ફરી રહ્યો છે. દરમિયાન વંદે ગુજરાત યાત્રાનો રથ જસદણ તાલુકાના  સાણથલી ગામે આવી પહોંચ્યો હતો. તાલુકાના તમામ અધિકારીઓ હાજર હતા, ત્યારે ગામના આગેવાનો અને મહિલાઓએ ધસી આવીને રોષભેર જણાવ્યું હતું કે, સાણથલી ગામમાં સાફ-સફાઈ કરવામાં આવતી ન હોય અનેક જગ્યાએ ગટરના પાણી બજારમાં વહેતા હોય છે. વરસાદના પાણી પણ આ વિસ્તારમાં ભરાતા હોય અને પાણીની યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવામાં આવતી ન હોવાથી લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે. છેલ્લા ઘણા સમયથી સાણથલી ગામમાં અનેક જગ્યાએ ગટર, રોડ-રસ્તા અને પાણી અંગે મોટાભાગના લોકોને વ્યવસ્થિત સુવિધા મળતી નથી. જેથી ગ્રામ પંચાયતની કામગીરીથી ગ્રામજનોમાં અસંતોષ છે. હાલ સાણથલી ગામના લોકો પ્રાથમિક સુવિધાથી વંચિત રહેતા હોવાથી ગ્રામજનોએ રજુઆત કરી હતી.

આ અંગે જસદણના તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, લોકો ગટરના પાણીના નિકાલ પ્રશ્ને રજૂઆત મળી છે.. જેથી તે લોકોનો પ્રશ્ન અમે અને ગામના સરપંચે સાંભળી તાત્કાલિક તેમના ગટરના પાણીના નિકાલનો પ્રશ્ન વહેલી તકે હલ કરી આપીશું તેવી લોકોને ખાતરી આપી છે.