- વંદે મેટ્રો ટ્રેન 110 કિમીની ઝડપે 5.45 કલાકમાં અમદાવાદથી ભૂજ પહોંચશે,
- વડાપ્રધાન મોદીના હસ્તે સોમવારે વંદે મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કરાશે,
- ટ્રેનને 9 સ્ટેશનો પર સ્ટોપેજ અપાયા
અમદાવાદઃ ભૂજ-અમદાવાદ વચ્ચેની પ્રથમ વંદે મેટ્રો ટ્રેનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આગાની તા. 16મી સપ્ટેમ્બરને સોમવારે કરાશે. વંદે મેટ્રો ટ્રેન અમદાવાદ ભૂજ વચ્ચે 110 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે દોડશે. અને બન્ને શહેરોમાં માત્ર 5.45 કલાકમાં પહોંચી શકાશે. વંદે મેટ્રો ટ્રેનને 9 સ્ટેશનોએ સ્ટોપેજ આપવામાં આવ્યા છે. અમદાવાદથી ભુજનું ભાડું રૂ.430 રહેશે.
અમદાવાદથી ભુજ વચ્ચે પહેલી વંદે મેટ્રો ટ્રેન 16મી સપ્ટેમ્બરથી દોડાવાશે. આ ટ્રેનનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે. સોમથી શનિવાર સુધી દોડનારી આ ટ્રેનમાં 12 કોચ હશે અને પ્રતિ કલાક 110 કિલોમીટરની ઝડપ હશે. સોમથી શનિ સવારે 5.05 વાગે ભુજથી ઉપડશે જ્યારે સાંજે 5.30 કલાકે અમદાવાદથી ઉપડશે. આ ટ્રેનમાં 1150 પેસેન્જરો બેસીને તેમજ 2058 પેસેન્જરો ઊભાં રહીને મુસાફરી કરી શકશે. અમદાવાદથી ભુજનું ભાડું રૂ.430 રહેશે.
પશ્વિમ રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ વંદે મેટ્રો એસી ટ્રેનના દરેક કોચમાં 3×3 અને 2×2ની કુશનિંગ સીટ છે. જેથી પ્રવાસીઓ આરામથી પ્રવાસ કરી શકશે. કોચમાં સ્લાઈડિંગ ડોરની સાથે 4 દરવાજા છે. ભુજથી અમદાવાદ પહોંચવામાં 5.45 કલાક લાગશે. જ્યારે અમદાવાદથી ભૂજ પહોંચવામાં 5.40 કલાકનો સમય લેશે. અમદાવાદ અને ભૂજ વચ્ચે સાબરમતી, ચાંદલોડિયા, વિરમગામ, ધ્રાંગધ્રા, સામખિયાળી, ભચાઉ, ગાંધીધામ અને અંજાર મળી 9 સ્ટેશન પર આ ટ્રેન ઊભી રહેશે.
દેશની પહેલી વંદે મેટ્રો ટ્રેન અમદાવાદ-ભૂજ વચ્ચે 16 સપ્ટેમ્બરથી દોડાવવામાં આવશે. વંદે મેટ્રોમાં મિનિમમ ભાડું રૂ.30 હશે. 25 કિલોમીટરના અંતર સુધી 30 રૂપિયા તેમજ ત્યારબાદ દરેક કિલોમીટરદીઠ ભાડામાં 1.20 રૂપિયાનો વધારો થશે. જ્યારે ભુજ સુધી રૂ.430 ભાડું ચૂકવવું પડશે. આ ટ્રેનમાં પેસેન્જરોને 7 દિવસ, 15 દિવસ તેમજ 30 દિવસના સિઝનલ પાસની સુવિધા ઉપલબ્ધ કરાવાશે. અમદાવાદ અને ભૂજ વચ્ચે દોડતી ખાનગી બસોમાં ભાડા પેટે પેસેન્જર દીઠરૂ.800થી 1 હજાર વસૂલાય છે.ત્યારે આ ટ્રેનથી કચ્છના પ્રવાસીઓને ફાયદો થશે.