જુનાગઢઃ ગીરના જંગલમાંથી વનરાજો ઘણીવાર રેવન્યું વિસ્તારોની સહેલગાહે આવી જતાં હોય છે. હાલ ઉનાળાને લીધે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે જંગલના પ્રાણીઓ પાણીના કુદરતી સ્ત્રોત અને કુત્રિમ સ્ત્રોતને શોધતા હોય છે. આ વચ્ચે બપોરના સમયે જૂનાગઢના દાતાર રોડ પર આવેલા વિલિંગ્ડન ડેમ ખાતે એક સિંહ આવી ચડ્યો હતો. અને આ સ્થળ તેને ગમી જતાં સિંહે ધામા નાંખ્યા હતા.દરમિયાન વન વિભાગના અધિકારીઓને જાણ થતાં જ દોડી આવ્યા હતા. અને સિંહને ફરી જંગલ તરફ ખદેડવાના પ્રયાસો શરૂ કર્યા હતા.
જૂનાગઢના ગીરના જંગલ વિસ્તારમાં 50થી વધુ સિંહ પરિવાર સાથે વસવાટ કરી રહ્યા છે. ત્યારે ઘણીવાર કેટલાટ સિંહ ગરમીને કારણે જંગલ વિસ્તાર છોડીને જળાશય વિસ્તારમાં જ્યાં ઠંડક હોય તેવા વાતાવરણમાં આવી જતાં હોય છે. વન વિભાગ દ્વારા પણ સિંહને કોઈપણ પ્રકારની કનગડત ન થાય અને ગીરનું ઘરેણું કહેવાતા વનરાજ પોતાની મસ્તીમાં હરી ફરી શકે તે માટે અલગ-અલગ ટીમો બનાવી જંગલ તેમજ રેવન્યુ વિસ્તારમાં પેટ્રોલિંગ રાખવામાં આવતું હોય છે.
જુનાગઢ નજીક વિલિંગ્ટન ડેમ વિસ્તારમાં આવી ચડેલા સિંહને આ વિસ્તાર ગમી જતા ધામા નાંખ્યા હતા. ડેમના કાઠે અણધાર્યા સિંહના આગમનને પગલે પ્રવાસીઓ પણ ઉત્સાહમાં આવી ગયા હતા. જુનાગઢના લોકો પણ સિંહને જોવા માટે વિલિગ્ટન ડેમ સાઈટ પર જવા લાગ્યા હતા.આ બાબતે ગિરનાર વિભાગના આરએફઓએ જણાવ્યું હતું કે, જૂનાગઢના વન વિભાગ સિંહોની સુરક્ષા માટે હંમેશા ખડે પગે રહેતું આવ્યું છે. સિંહો દ્વારા જ્યારે જંગલ છોડવામાં આવે છે ત્યારે વન વિભાગની અલગ-અલગ ટીમો દ્વારા તેમને જંગલ તરફ મોકલવાના પ્રયત્નો કરવામાં આવતા હોય છે.