Site icon Revoi.in

વાપી જંગલના ખેરના લાકડાં કૌભાંડ, EDએ સુરત સહિત 13 સ્થળોએ પાડ્યા દરોડા

Social Share

સુરતઃ વાપીના જંગલમાંથી ખેરના વૃક્ષો કાપીને  વેચાણના કૌભાંડનો ઈડીએ પડદાફાશ કર્યો છે.  ખેરના વૃક્ષોનું ગેરકાયદે કટિંગ કરીને તેના લાકડાંનો ભૂકો કરીને તેને ગુટકામાં ભેળવી દેવામાં આવતો હતો. ગુટકા અને કથ્થાના વેપારીઓ ખેરના કટિંગ કરેલા વૃક્ષો ખરીદીને લાકડાંનો ભૂકો કરીને ગુટકામાં ભેળવતા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર-ઈડીએ આ કેસમાં સુરત અને દિલ્હી સહિત દેશના અલગ અલગ 13 જગ્યાએ દરોડા પાડ્યા હતા.

વલસાડ જિલ્લાના વાપીના જંગલમાંથી ખેરના લાકડાં વર્ષોથી કાપીને વેચવામાં આવે છે. આ કૌભાંડ ઘણા સમયથી ચાલતુ હોવાનું કહેવાય છે. હવે આ કૌભાંડની તપાસ ઈડી દ્વારા કરવામાં આવી રહી છે. ઇડીના અધિકારીઓના કહેવા મુજબ અત્યાર સુધીમાં 10થી 15 કરોડના લાકડાં વેચી દેવામાં આવ્યા છે. જંગલ વિસ્તારમાં ખેરના અનેક ઝાડ કાપી નાખવામાં આવ્યા છે. આ લાકડાંનો ઉપયોગ ગુટકા અને કથ્થામાં કરવામાં આવે છે. તપાસ દરમિયાન એવી વિગતો પણ જાણવા મળી છે કે, વાપીના જંગલમાંથી જે ખેરના લાકડા કાપીને દિલ્હી મોકલવામાં આવતા હતા તેની ડિલિવરી બાય રોડ સુરતથી દિલ્હી અને હરિયાણા સુધી થતી હતી. હાલ ઈડીના શંકાના ડાયરામાં ત્રણ જેટલા આરોપીઓ છે જેમાં ડ્રાઇવર પણ સામેલ છે. આ સમગ્ર પ્રકરણમાં એક આરોપી હાલ સાઉદી અરેબિયામાં હોવાની માહિતી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરને થઈ છે. ઇડીએ દરોડા દરમિયાન કુલ 30 લાખની રોકડ રકમ પણ જપ્ત કરી છે. હાલ મને લોન્ડરીંગ સહિત પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળ ઈડી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આગામી દિવસોમાં આ અંગે વન વિભાગના અધિકારીઓની પણ પૂછપરછ કરવામાં આવશે. સાથે ધરપકડની કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે.