વારાણસીઃ વર્ષો પહેલા ચોરાયેલી ‘મા અન્નપૂર્ણા’ની મૂર્તિની ફરીથી થશે પ્રાણપ્રતિષ્ઠા
દિલ્હીઃ બનારસના ઘાટ ઉપરથી વર્ષો વહેલા ચોરી થયેલી માતા અન્નપૂર્ણાની પ્રતિમા હવે પરત આવી રહી છે. આ મૂર્તિ 14મી નવેમ્બરના રોજ વારાણસી પહોંચશે અને વિશ્વનાથ ધામ મંદિરમાં તા. 15મી નવેમ્બરના રોજ સ્થાપિત કરવામાં આવશે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાવશે. મૂર્તિ દિલ્હીથી બનારસ આવશે. સમગ્ર માર્ગમાં માતા અન્નપૂર્ણાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. મૂર્તિની ભવ્ય યોત્રા નીકળશે.
સીએમ યોગી આદિત્યનાથએ જણાવ્યું હતું કે, 100 વર્ષ પહેલા માતા અન્નપૂર્ણાની આ મૂર્તિ કાશીથી ચોરાઈ હતી. અનેક લોકોના હાથમાંથી આ મૂર્તિ અંતે કેનેડાની રેજિના યુનિવર્સિટી પહોંચી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોને પગલે હવે માતા અન્નપૂર્ણાની મૂર્તિ પરત મળી રહી છે. કેન્દ્ર સરકારને રેજિના યુનિવર્સિટી પાસેથી માહિતી મળી હતી કે, તા. 11મી નવેમ્બર, ગોપાષ્ટમીના દિવસે દિલ્હી આવી જશે. જે બાદ તે ત્યાંથી કાશી જવા રવાના થશે. શિવની નગરી કાશીમાં મા અન્નપૂર્ણાની આ વર્ષો જુની પ્રતિમા તા. 15મી નવેમ્બરના રોજ દેવોત્થાન એકાદશીના પવિત્ર અવસર પર મળી જશે. તા. 11મી નવેમ્બરના રોજ જ ઉત્તરપ્રદેશ સરકારને આ મૂર્તિ સોંપવામાં આવશે. જે બાદ શોભાયાત્રા યોજાશે.
- તા. 11મી નવેમ્બરના રોજ મૂર્તિને લઈને શોભાયાત્રા નવી દિલ્હીથી શરૂ થશે અને ગૌત્તમબુદ્ધ નગર, ગાઝિયાબાદ જિલ્લામાંથી પસાર થઈને કાસગંજથી લઈને સુકરના સોરોમાં રાત્રિ રોકાણ કરશે.
- તા. 12મી નવેમ્બરના રોજ યાત્રા સોરોંથી શરૂ થશે અને એટા, મૈનપુરી, કન્નૌજ થઈને કાનપુર પહોંચશે. કાનપુરમાં તપેશ્વરી દેવીમાં મૂર્તિને રાખવામાં આવશે.
- તા. 13મી નવેમ્બરના રોજ સવારે શોભાયાત્રા કાનપુરથી આગળ નીકળશે અને ઉન્નાવ, લખનૌ, બારાબંકી થઈને અયોધ્યા પહોંચશે. અયોધ્યામાં મૂર્તિને શ્રી રામ મંદિરમાં રાખવામાં આવશે.
- તા. 14મી નવેમ્બરના રોજ શોભાયાત્રા ઓયોધ્યાથી નીકળીને કાશી વિશ્વનાથ ધામ પહોંચશે.
- તા. 15મી નવેમ્બરના રોજ દેવોત્થાન એકાદશીના પવિત્ર પર્વ પર શ્રી કાશી વિશ્વનાથ ધામમાં મા અન્નપૂર્ણઆ દેવીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.