Site icon Revoi.in

વારાણસી: કાશી વિશ્વનાથ મંદિર પાસે બે જૂના મકાનો ધરાશાયી, એક મહિલાનું મોત

Social Share

વારાણસીઃ ઉત્તર પ્રદેશના વારાણસી જિલ્લામાં સવારે કાશી વિશ્વનાથ મંદિર પાસે આવેલા બે જૂના મકાનો અચાનક ધરાશાયી થઈ ગયા હતા, જેના કારણે કાટમાળ નીચે દબાઈ જવાથી એક મહિલાનું મોત થયું હતું, જ્યારે અન્ય સાત લોકો ઘાયલ થયા હતા. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આ ઘટના ચોક વિસ્તારના ખોયા ગલીમાં બની હતી, જ્યાં કાશી વિશ્વનાથ મંદિર પાસે બનેલા બે જૂના મકાનો અચાનક તૂટી પડ્યા હતા અને નવ લોકો કાટમાળ નીચે દટાયા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમે આ તમામ લોકોને કાટમાળ નીચેથી બહાર કાઢીને હોસ્પિટલ મોકલી આપ્યાં હતા.  વારાણસીના ડિવિઝનલ કમિશનર કૌશલ રાજ શર્માએ પત્રકારોને જણાવ્યું હતું કે, “બે મકાનો ધરાશાયી થયા હતા, જેમાંથી એકમાં રહેતા તમામ લોકો સુરક્ષિત રીતે બહાર નીકળી શક્યા હતા, જ્યારે બીજા મકાનમાં રહેતા માત્ર બે લોકો જ બહાર નીકળી શક્યા હતા અને અન્ય સાત લોકો કાટમાળ નીચે દબાયેલા હતા.

શર્માના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં એક મહિલાનું મોત થયું છે, જ્યારે એક મહિલા કોન્સ્ટેબલ સહિત સાત લોકો ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે, સાત ઘાયલોની સારવાર વરિષ્ઠ તબીબી અધિકારીઓની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે. શર્માએ કહ્યું કે, દેખાવમાં બંને ઘર ઓછામાં ઓછા 70-80 વર્ષ જૂના હતા.

તેમણે કહ્યું કે ઘરનો ઉપરનો માળ ધરાશાયી થયો હોવા છતાં નીચેના માળ સુરક્ષિત છે. વારાણસી પોલીસ કમિશનર મોહિત અગ્રવાલે પત્રકારોને જણાવ્યું હતું કે, “અકસ્માતમાં ઘાયલ મહિલા કોન્સ્ટેબલ કાશી વિશ્વનાથ મંદિરમાં ફરજ પર હતી. તેને બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU)ના ટ્રોમા સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે. તેમની હાલત ખતરાની બહાર હોવાનું કહેવાય છે.”