અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડુ હાલ જખૌથી 80 કિમી દૂર છે. આ વાવાઝોડુ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. બીજી તરફ દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન ફુંકાતો હોવાથી અનેક સ્થળો ઉપર વૃક્ષો ધરાશાયી થવાના તથા કાચા મકાન તુટી પડવાની ઘટનાઓ સામે આવી છે. દરમિયાન વાવાઝોડાની શકયતાને પગલે સૌરાષ્ટ્રના એરપોર્ટ બંધ કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે. જામનગર અને રાજકોટ સહિતના એરપોર્ટ ઉપર માત્ર ઈમરજન્સી ફ્લાઈટ જ ઉડાન ભરી શકશે. તમામ ફ્લાઈટ સેવાઓ રદ કરવામાં આવી છે.
વાવાઝોડાને કારણે ભુજ, જામનગર અને રાજકોટ એરપોર્ટ પર કામચલાઉ ધોરણે ફ્લાઇટ ઓપરેશન સ્થગિત કરાઈ છે. જામનગર એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું કે, હાલ માત્ર ઇમરજન્સી ફ્લાઈટ્સ જ ઉડાવાશે. હાલ સંપૂર્ણ ધ્યાન બચાવકાર્ય પર અપાઈ રહ્યું છે. આ માટે પૂરતા ઇંધણની વ્યવસ્થા કરાઈ છે તેમજ એરપોર્ટ ઉપર કોઈ પણ પ્લેન પાર્ક કરવામાં આવ્યાં નથી. રાજકોટ એરપોર્ટ પર આજની તમામ ફ્લાઈટ્સ રદ કરી દેવામાં આવી છે. એ જ રીતે ભુજ એરપોર્ટ પર પણ તમામ ફ્લાઈટ્સને રદ કરી દેવામાં આવી છે. જોકે, અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ચાલુ રાખવામાં આવ્યું છે.
ગુજરાત રાજ્ય પરિવહન નિગમ દ્વારા 46 એસ.ટી. બસ સ્થળાંતર માટે ફાળવવામાં આવી છે. 4 તાલુકા (લખપત, અબડાસા, માંડવી, નખત્રાણા)માં બસોનો વાહન વ્યવહાર તા.16 જૂન બપોરે 12 વાગ્યા સુધી બંધ કરેલ છે. કચ્છ સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાંથી કુલ 94000 લોકોને સુરક્ષિત સ્થાનો પર ખસેડવામાં આવ્યા છે. સૌથી વધુ કચ્છમાંથી 46823 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
(ફોટો-ફાઈલ)