અમદાવાદઃ ભારતને જી-20 દેશનું યજમાનપદ મળ્યુ છે. અને તેની બેઠકો યોજાવાની હોવાથી ગુજરાતમાં પણ 13 જેટલી બેઠકો યોજાશે. ત્યારે ગુજરાત સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતમાં G-20 યોજાનારી બેઠકોમાં ફાઇનાન્સ, બૅન્કિંગ, ટ્રેડ અને રોકાણ, એનર્જી, શહેરી વિકાસ, પર્યાવરણ અને ક્લાઇમેટ, પ્રવાસન અને મહિલા સશક્તીકરણ જેવા મુદ્દાઓને આવરી લેશે
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં આગામી વર્ષે યોજનારી 13 મહત્ત્વની G-20 બેઠકો માટે સરકારી તંત્રએ જોરશોરથી તૈયારીઓ આરંભી દીધી છે. રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમારે રાજ્યના વિવિધ વિભાગોના ટોચના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને સમય નક્કી કરવા માટે અને અન્ય ગોઠવણો કરવા માટે કેન્દ્રના વિદેશી બાબતોના વિભાગ સાથે સતત સંપર્કમાં છે. અત્યંત મહત્ત્વની એવી G-20 બેઠક ફાઇનાન્સ, બૅન્કિંગ, ટ્રેડ અને રોકાણ, એનર્જી, શહેરી વિકાસ, પર્યાવરણ અને ક્લાઇમેટ, પ્રવાસન અને મહિલા સશક્તીકરણ જેવા મુદ્દાઓને આવરી લેશે. આખરી શિડ્યૂલ નિર્ધારિત કરાયો નથી પણ G-20ની મોટા ભાગની બેઠકો ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર સુરત, કચ્છ અને એકતાનગરમાં યોજાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે G-20એ એક વિશ્વના 20 જેટલા મોટા અર્થતંત્રોનું ફોરમ છે અને વૈશ્વિક અર્થતંત્રો દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાઓ પર ચર્ચા કરે છે. ભારત પાસે આગામી 30 નવેમ્બર 2023 સુધી પ્રમુખપદ રહેશે. ભારત G-20નો સ્થાપક સભ્ય છે અને તેના અન્ય સભ્યોમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાંસ, જર્મની, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, યુનાઇટેડ કિંગ્ડમ, અમેરિકા અને યુરોપિયન યુનિયનનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં યોજાનારી જી-20ની બેઠકોમાં વિદેશી મહેમાનોથી લઈ વીવીઆઈપીઓ ભાગ લેવા માટે આવશે, જેમની સુરક્ષાઓને ધ્યાનમાં રાખી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દ્વારા ગુજરાત, મહારાષ્ટ્ર, યુપી અને બી.એસ.એફના જવાનોને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. જેમાં 33 પોલીસ અધિકારીઓને ખાસ ટ્રાનિંગ અપાઈ રહી છે. વી.વી.આઈ.પી સુરક્ષા કઈ રીતે કરવી અને મુસીબત સમયે કેવી રીતે તેનું ધ્યાન રાખવું તેની ટ્રેનિંગ આપવામાં આવી છે.. નોંધનીય છે કે વી.વી.આઈ.પી સિક્યુરિટી માટે પહેલી વખત આ રીતની ટ્રાનિંગ આપવામાં આવી છે.