ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આહવાન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતભરમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન વેગવંતુ બન્યું છે.જે અંતર્ગત રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેને વ્યાપક જન પ્રતિસાદ સાંપડી રહ્યો છે અને નાગરિકો ઉત્સાહભેર સહભાગી બની રહ્યા છે.
રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાનના ‘હર ઘર તિરંગા’ના દેશવ્યાપી અભિયાન અંતર્ગત આજરોજ ભુજ જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતેથી 300 મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથેની તિરંગા રેલીનો સાંસદ વિનોદ ચાવડાએ લીલીઝંડી આપીને પ્રારંભ કરાવ્યો હતો. આ રેલીમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો, હોમગાર્ડ જવાનો, શાળાના બાળકો, પરંપરાગત લોક નૃત્ય કલાકારો, અન્ય કલાકારો, પોલીસ બેન્ડ, રમતવીરો, આઇકોનીક વ્યકિતઓ, સોશિયલ મીડિયા ઇન્ફલુએન્સર, સામાજિક સંસ્થાઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.
જયુબિલી ગ્રાઉન્ડથી પ્રસ્થાન થયેલી રેલી વંદે માતરમના જયધોષ સાથે શહેરના મુખ્યમાર્ગ પરથી પસાર થઇને હમીરસર કાંઠે ગાંધીજીની પ્રતિમા પાસે પૂર્ણ થઇ હતી. શહેરના મુખ્યમાર્ગો પર હજારો તિરંગા સાથે નીકળેલા છાત્રો, પોલીસ તથા હોમગાર્ડ જવાનો, રાષ્ટ્રપ્રેમી નાગરિકોના દેશભક્તિના નારાઓથી શહેરના રસ્તાઓ ગુંજી ઉઠ્યા હતા.
દેશભરમાં યોજાઈ રહેલ ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આજે અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના 44 ગામોમાં ગ્રામજનોએ વિશાળ હર ઘર તિરંગા યાત્રાઓ યોજી હતી જેમાં ગ્રામજનો સહિત ગામના આગેવાનો, વિદ્યાર્થીઓ, યુવાનોએ ઉત્સાહભેર ભાગ લઈને આગવા અંદાજમાં પોતાનો રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કર્યો હતો. તાલુકાના પદાધિકારીઓ પણ આ તિરંગા યાત્રામાં સહભાગી થયા હતા.
આઝાદીના 78 મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મહેસાણા જિલ્લામાં નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, તિરંગા રેલી જેવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.જે અંતર્ગત મહેસાણાની સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત,એમ.એમ વી.સાર્વજનિક કન્યા વિદ્યાલયની શાળાના પટાંગણમાં હર ઘર તિરંગા કાર્યક્રમના આયોજન અંતર્ગત શાળાની 18 વિદ્યાર્થીનીઓ દ્વારા 25 ફૂટ બાય 30 ફૂટનો ભારત દેશનો નકશો તૈયાર કરવામાં આવ્યો હતો. તેમાં ગુજરાત રાજ્યને પણ અલગ રંગથી દર્શાવવામાં આવ્યું હતું.
પાટણ જિલ્લાનાં સિધ્ધપુર તાલુકાની કન્યા શાળા નં 1 ખાતે આયોજીત ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આયોજીત કાર્યક્રમમાં દેશભકિતના ગીતો વગાડવામાં આવ્યા હતા. આઝાદીની ચળવળ અને શહીદોના બલીદાનોની માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. સિદ્ધપુર તાલુકાની નર્સિંગ કૉલેજની વિદ્યાર્થિનીઓએ હાથમાં રાષ્ટ્ર ધ્વજ લઇને રેલી કાઢી હતી. રેલીમાં ‘જય હિન્દ’ નાં નારા સાથે વિદ્યાર્થીનીઓ સિદ્ધપુરના રસ્તાઓ પર ફરી હતી. આ રીતે વિદ્યાર્થીનીઓ એ પોતાની દેશભાવના વ્યકત કરી હતી.
અમદાવાદના સાણંદ નગરના એસ.ટી.બસસ્ટેન્ડ ખાતે પણ તિરંગો લહેરાવવામાં આવ્યો હતો.તદુપરાંત બસમાં મુસાફરી કરનાર નાગરિકોને પણ તિરંગાનું વિતરણ કરીને તેમને આ અભિયાનમાં જોડવામાં આવ્યા હતા.અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના 44 ગામોમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત ગ્રામજનોએ વિશાળ હર ઘર તિરંગા યાત્રાઓ યોજી હતી. જેમાં ગ્રામજનો સહિત ગામના આગેવાનો, વિદ્યાર્થીઓ, યુવાનોએ ઉત્સાહભેર ભાગ લઈને આગવા અંદાજમાં પોતાનો રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કર્યો હતો. તાલુકાના પદાધિકારીઓ પણ આ તિરંગા યાત્રામાં સહભાગી થયા હતા.
આ ઉપરાંત, બાવળા તાલુકાના તમામ ગામોની સરકારી ઇમારતો પર રાષ્ટ્રની શાન એવા તિરંગાને ફરકાવવામાં આવ્યો હતો તેમજ વ્યક્તિગત મિલકતો અને ઘરો પર પણ લોકો બહોળા પ્રમાણમાં તિરંગો ફરકાવે તે હેતુસર ગ્રામ પંચાયત દ્વારા બહોળા પ્રમાણમાં તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
રાજપીપલાના ગામોમા નાગરિકો સહિત બાળકો એ તિરંગા યાત્રામાં જોડાઈને નગરવાસીઓને દેશભક્તિ નો એક અનોખા અંદાજથી પરિચિત કરાવ્યો હતો. જેમાં આ ભવ્ય તિરંગા યાત્રાએ નગર સહિત ગામોમાં અનેરુ આકર્ષણ જમાવ્યું હતું. જેમાં બાળકો-મહિલાઓ, યુવાનો સહિત દરેક ક્ષેત્ર સાથે સંકળાયેલા મહાનુભાવોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.