ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કુપોષણ મુક્ત ભારતના સપનાને સાકાર કરવા ભારત સરકાર દ્વારા રાષ્ટ્રવ્યાપી પોષણ અભિયાન ચાલી રહ્યુ છે. જે અંતર્ગત મહિલા અને બાળવિકાસ મંત્રાલય, ભારત સરકાર દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર માસમાં કુપોષણ અને એનિમિયાના નિવારણ માટે પોષણ અભિયાનને જન આંદોલનનું સ્વરૂપ આપી ‘’પોષણ માહ’’ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે “સુપોષિત ભારત, સાક્ષર ભારત, સશક્ત ભારત’’ ની થીમ આધારે દેશભરમાં ઊજવણી કરાશે.
પોષણમાહની ગુજરાતમાં રાજ્યવ્યાપી ઊજવણીના આયોજન માટે ગાંધીનગર ખાતે આઈ.સી.ડી.એસના ડાયરેકટર રણજીતકુમાર સિંહના અધ્યક્ષસ્થાને ઉચ્ચ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં વિવિધ વિભાગો દ્વારા કરાયેલી તૈયારીઓની વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ વર્ષે પોષણ ક્ષેત્રે ગુજરાત નંબર-1 રહે એવા આયોજનો હાથ ધરવામાં આવ્યા છે. આઈ.સી.ડી.એસના નાયબ નિયામક અને પોષણ અભિયાનના જોઈન્ટ પ્રોજેકટ કો.ઓર્ડિનેટર નેહા કંથારિયાએ તમામ નોડલ અધિકારીઓને પોષણ માહ-2023ની વિવિધ થીમ પર યોજાનારી પ્રવૃત્તિઓથી માહિતગાર કર્યા હતા. નોડલ અધિકારીઓએ પણ “પોષણમાહ”ની તેમના વિભાગની પ્રવૃત્તિઓના આયોજનની વિગતો આપી હતી.
આ વર્ષે પોષણ માહની ઊજવણી દરમિયાન ભારતમાં પોષણ આધારિત માનવજીવનના મુખ્ય તબક્કાઓ એટલે કે ગર્ભાવસ્થા, બાલ્યાવસ્થા, બાળપણ અને કિશોરાવસ્થા વિશે જાગૃતિ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને આ વર્ષે “સુપોષિત ભારત, સાક્ષર ભારત, સશક્ત ભારત’’ પોષણ માહની થીમ નિયત કરાઈ છે. પોષણ માહ 2023 દરમિયાન, માત્રને માત્ર સ્તનપાન અને પૂરક આહાર, સ્વસ્થ બાળક સ્પર્ધા (SBS), પોષણ ભી પઢાઈ ભી (PBPB), મિશન લાઈફ દ્વારા પોષણ સ્તરમાં સુધારો, મારી માટી મારો દેશ (MMMD), આદિવાસી આઘારિત પોષણ સેન્સિટાઇઝેશન ટેસ્ટ, ટ્રીટ, ટોક – એનિમિયા થીમ પર ધ્યાન કેન્દ્રિત કરીને વિવિધ પ્રવૃત્તિઓનુ આયોજન કરવામાં આવશે.
રાજ્યભરમાં પોષણ માહની ઉજવણી નિમિત્તે વિભાગોના સંકલનથી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાશે જેમાં સ્તનપાન અને ઉપરી આહાર માટે વધુ સમજ કેળવવા માટે કેમ્પ તથા ગૃહ મુલાકાત કરી લાભાર્થીઓને સમજ, સ્તનપાનની યોગ્ય પદ્ધિઓ સહિત આહારલક્ષી વૈવિઘ્યતા વિશે લોકોને જાગૃત કરવામાં આવશે. તમામ આંગણવાડી કેન્દ્રોમાં સ્વસ્થ બાળક સ્પર્ધાનું આયોજન કરી ગ્રોથ મેઝરમેન્ટ ડ્રાઇવ (SAM/ MAM સ્ક્રીનીંગ)આરોગ્ય વિભાગના સહયોગથી કરવામાં આવશે.
સમગ્ર પોષણ માસ દરમિયાન સમુદાય આઘારિત કાર્યક્રમો, મમતા દિવસની ઉજવણી, પોષણના 5 સૂત્ર અંતર્ગત પ્રથમ 1000 દિવસ હાઇજીન વિશે સેન્સેટાઇઝેશન પ્રવૃત્તિઓ, પ્રસૂતિ પૂર્વેની તપાસ, અન્નપ્રાશન દિવસ, સુપોષણ દિવસ, રસીકરણ કેમ્પ, સાયકલ રેલી / પદયાત્રા / પ્રભાત ફેરી, હાટ (ગુર્જરી) બજાર એક્ટીવિટી, સ્થાનિક આગેવાનો / નેતાઓ સાથે મિટીંગ, નુકકડ નાટક / ફોક શો (ભવાઇ શો), પોષણ વર્કશોપ / સેમીનાર, યુવા જૂથો સાથે મિટીંગ, તારૂણ્ય શિક્ષણ જેવી વૈવિઘ્ય સભર પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત આઇસીડીએસના કર્મચારીઓ દ્વારા રોજ આંગણવાડીમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે જે તે મહિનામાં દાખલ થવા પાત્ર બાળકોનાં વાલી અને આંગણવાડીમાં આવતા બાળકોના વાલીઓની મુલાકાત કરાશે. આંગણવાડીમાં રમકડા અને રમત આધારિત શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે સમુદાય કેન્દ્રિત ખેલો ઔર પઢો કાર્યક્રમ કરી સ્થાનિક રમકડાં મેળાનું પણ આયોજન કરવામાં આવશે.