રાજપીપળાઃ પર્ટીક્યુલર વલ્નરેબલ ટ્રાઈબલ ગ્રુપ (પીવીટીજી) એટલે કે આદિમ જૂથના આદિવાસી પરિવારોને વિવિધ કલ્યાણકારી યોજનાના લાભો આપવા માટે પીએમ જનમન કાર્યક્રમ થવાનો છે ત્યારે નર્મદા જિલ્લામાં વસતા કોટવાળિયા સમૂહનો આ જૂથમાં સમાવેશ થાય છે. એક સદી પહેલા અંગ્રેજોના શાસન દરમિયાન બોમ્બે પ્રેસિડેન્સી હેઠળના વિસ્તારોમાં માત્ર 413 વ્યક્તિઓ આ જૂથના હતા. આજે નર્મદા જિલ્લામાં 4676 કોટવાળિયા સમૂહના વ્યક્તિ વસવાટ કરે છે.
અંગ્રેજોના શાસન દરમિયાન વર્ષ 1901માં રેજીનાલ્ડ એન્થોવને બોમ્બે પ્રેસિડેન્સી હેઠળના વિસ્તારોમાં વિસ્તૃત સર્વે કરી એક બુક પ્રકાશિત કરી હતી. આ બુક એટલે ‘ધ ટ્રાઈબ્સ એન્ટ કાસ્ટિસ ઓફ બોમ્બે’ અને તેના ત્રીજા ભાગમાં કોટવાળિયા સમુદાયની જનસંખ્યા અને તેના રિવાજો વિશે રસપ્રદ માહિતી આપવામાં આવી છે. ઉક્ત બુકમાં નોંધવામાં આવ્યું છે કે, વર્ષ 1901 સુધીમાં બોમ્બે પ્રેસિડેન્સી હેઠળના સુરત પરગણા અને તેની આસપાસના વિસ્તારોમાં કોટવાળિયા સમુદાય વસવાટ કરે છે. તે સમયે 206 પુરૂષ અને 207 મહિલાઓ મળી કુલ 413 વ્યક્તિ નોંધાઈ હતી. જેઓ વાંસ કાપી તેમાંથી વિવિધ વસ્તુઓ બનાવવાનું કામ કરતા હોવાથી તેમને વાંસફોડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત અંગ્રેજો તેને વિટોલિયા તરીકે પણ ઓળખતા હતા.
આ સમુદાયના લોકોને કોટવાળિયા કેમ કહેવાયા છે તેની પણ રસપ્રદ વાત છે. આ સમુદાયના કોઈ એક આદિવાસીએ અંગ્રેજ અધિકારીને વાંસમાંથી બનાવેલો કોટ ભેટ સ્વરૂપે આપ્યો હતો. તે કોટ એટલો સુંદર હતો કે, અંગ્રેજે તેમને કોટવાળિયા અથવા તો કોટ-વાલા તરીકે ઓળખવાનું શરૂ કર્યું. આથી તેઓ કોટવાળિયા તરીકે ઓળખાય છે.
વિશેષ વાત તો એ છે કે, પ્રાચીન ભારતમાં વિધવા પુનઃલગ્ન અમલમાં નહોતી. રાજારામ મોહનરોયના પ્રયત્નોથી વર્ષ 1856માં આ પ્રથા કાયદાકીય રીતે અમલમાં આવી પરંતુ, કોટવાળિયા સમુદાયમાં આ પ્રથા તો ચાલી જ આવતી હતી. મહિલાઓનું પણ પારિવારિક પ્રસંગોમાં સરખુ સન્માન જળવાતુ હતુ.