વસંતપંચમી અને વેલેન્ટાઈન્સ ડે એક જ દિવસે મનાવાશે, વસંત અને પ્રમેના પર્વનો સંયોગ રચાયો
અમદાવાદઃ વિશ્વભરમાં 14મી ફેબ્રુઆરીનો દિન વેલેન્ટાઈન્સ ડે તરીકે મનાવવામાં આવે છે. આ વખતે 14મી ફેબ્રુઆરીએ વસંત પંચમીનું પર્વ પણ છે, એટલે 14મી ફેબ્રુઆરીને બુધવારે અનોખો સંયોગ સર્જાવા જઇ રહ્યો છે. વસંત પંચમી અને વેલેન્ટાઇન્સ ડે એકસાથે હોય તેવું છેલ્લે 57 વર્ષ અગાઉ એટલે કે 1967માં બન્યું હતું. વણજોયા મુહૂર્ત વસંત પંચમી અને પ્રેમીઓના પર્વ વેલેન્ટાઇન્સ ડે નિમિત્તે ગુજરાતમાંથી જ હજારો યુગલો લગ્નના તાંતણે બંધાશે. અમદાવાદ સહિત તમામ શહેરોમાં વસંતપંચમીના દિને અનેક લગ્નો યોજાશે.
મહાસુદ પાંચમ એટલે વસંત પંચમી. આ દિવસથી વસંત પ્રવૃત થાય છે. વસંત ઉત્સવ એટલે નિસર્ગનો ઉત્સવ. વસંત પંચમી એટલે વિદ્યાની દેવી, જ્ઞાનની દેવી માતા સરસ્વતીનો પ્રાદુર્ભાવનો દિવસ. ઋતુકાળ મુજબ વસંત પ્રવૃત થાય છે. પ્રકૃત્તિના ખીલવાથી રંગબેરંગી ફૂલોનો અપ્રતિમ નજારો જોવા મળે છે કે જાણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ન હોય. આ વસંતમાં ફૂલ ગુલાબી ઠંડીથી મનને પ્રસન્નતા મળે છે. આ વસંતમાં સરળતા, સહજતા અને નીખાલસતા છે. 14 ફેબ્રુઆરીના રોજ વસંતપંચમી અને વેલેન્ટાઇન્સ ડે સાથે હોય તેવું છેલ્લે 1967માં બન્યું હતું ત્યારે ભારતમાં વેલેન્ટાઇન્સ ડે પ્રચલિત પણ નહોતો, પ્રેમનો તહેવાર એટલે કે વેલેન્ટાઈન ડે,
વસંત પંચમી અને વેલેન્ટાઈન ડે એક જ દિવસે હોવાથી 14મી ફેબ્રુઆરીને બુધવારે ગુજરાતમાંથી જ અંદાજે પાંચ હજારથી વધુ યુગલો લગ્ન જીવનનો પ્રારંભ કરશે. જેના પગલે અમદાવાદના મોટાભાગના પાર્ટી પ્લોટ-હોલ, બેન્ડવાજા, કેટરર્સનું મહિનાઓ અગાઉ જ એડવાન્સ બૂકિંગ થઇ ગયું છે. અનેક લોકો વાસ્તુ, ભૂમિપૂજન પણ કરવાના છે અને તેના માટે પણ બૂકિંગ થઈ ગયા છે. વસંત પંચમીનું હિંદુ ધર્મમાં અનેરું માહાત્મ્ય છે. આ જ દિવસે આ વખતે વેલેન્ટાઇન્સ ડે પણ હોવાથી અનેક યુગલો લગ્નજીવનને યાદગાર બનાવવા માગતા હોવાથી તેના ઉપર પસંદગી ઉતારે છે. આ ઉપરાંત 14 ફેબ્રુઆરીના દિને પાર્ટી પ્લોટ્સ, લગ્નની વાડીઓ, હોલ, ગોર મહારાજ, બેન્ડવાજા સહિત બુકિંગ થઈ ગયા છે. અનેક હોટેલોમાં તમામ રૂમ બૂક થઇ ગયા છે.