Site icon Revoi.in

ગાંધીનગરના સાંસ્કૃતિક કુંજ ખાતે વસંતોત્સવ, વિવિધ રાજ્યોના કલાકારો નૃત્યની કલાકૃતિ પ્રસ્તુત કરશે

Social Share

ગાંધીનગરઃ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની થીમ પર આધારિત વસંતોત્સવના 28મા ઉજવણી પર્વ નિમિત્તે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગુજરાત સરકાર દ્વારા કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર અને પશ્ચિમ કલા કેન્દ્ર ઉદયપુરના સંયુક્ત ઉપક્રમે વસંતોત્સવની ઉજવણીનો શુભારંભ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરાયો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ પાટનગર ગાંધીનગરમાં અવારનવાર જુદી-જુદી સંસ્થાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાતા હોય છે. જેમાં આ સાંસ્કૃતિક પર્વ વસંતોત્સવના આગમનની ગાંધીનગરવાસીઓ આતુરતાથી રાહ જોતા હોય છે. વર્ષોથી ચાલ્યા આવતા ઉત્સવને માણવા હજારોની સંખ્યામાં લોકો ઉમટતા હોય છે.  શહેરના સંસ્કૃતિ કુંજ, સરિતા ઉદ્યાન પાસે, ‘જ’ રોડ, ગાંધીનગર ખાતે વસંતોત્સવનો પ્રારંભ કરાયો હતો. જેમાં પ્રથમ પાંચ દિવસ રાજસ્થાન, પંજાબ, હરિયાણા, પશ્ચિમ બંગાળ રાજ્ય દ્વારા અલગ અલગ જાણીતા પ્રાદેશિક નૃત્ય અને પાછલા પાંચ દિવસ કેરળ, મણીપુર ,કર્ણાટક, આસામ, ઓરિસ્સા રાજ્યો દ્વારા અલગ અલગ જાણીતા પ્રાદેશિક નૃત્યની કલાકૃતિ પ્રસ્તુત કરવામાં આવશે. આ ઉપરાંત ગુજરાતના ખ્યાતનામ કલાકારો અને વૃંદો દ્વારા ગણેશ વંદના, રાજ્યના વિવિધ પ્રસિદ્ધ ગ્રુપ દ્વારા પારંપરિક નૃત્ય કૃતિઓની પ્રસ્તુતિ, નવરાત્રી સ્પર્ધાના પ્રથમ દ્વિતિય અને તૃતીય વિજેતા દ્વારા પ્રાચીન અર્વાચીન ગરબા અને રાસની પ્રસ્તુતિ, તુરી બારોટ સમાજના મંડળો દ્વારા વિવિધ વિસરાતા લોકનૃત્યોની પ્રસ્તુતિ, આદિજાતિ ગ્રુપ દ્વારા વિવિધ આદિવાસી નૃત્યોની પ્રસ્તુતિ, ગુજરાતના લોકકલારત્ન દ્વારા લોક સંગીત અને સાહિત્યની મોજને પણ વસંતોત્સવ દરમિયાન માણવાનો લ્હાવો મળશે.

ગાંધીનગરમાં  સંસ્કૃતિકુંજ ખાતે ઉભા કરાયેલા સ્ટોલમાં કલાત્મક વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ બપોરે 02 થી રાત્રે 10 વાગ્યા સુધી રહેશે, જેનો નગરજનો લાભ લઈ શકશે. આનંદ, પ્રમોદ અને લોકસંગીતના સૂરોનો પ્રકૃતિના ખોળે આનંદ લેવા વસંતોત્સવ 2023ની કલારસીકો આતુરતાથી રાહ જોતા હોય છે, એવા ગુજરાતના અનોખા નૃત્યકલાપર્વની પાટનગરમાં આજથી શરૂઆત અંતર્ગત પ્રથમ દિવસે જીગ્નેશ સુરાણી ગ્રુપ રાજકોટ દ્વારા સૌપ્રથમ ગણેશ વંદના તથા વડોદરા શહેરના ગરબા રસિકો દ્વારા પ્રાચીન ગરબા, રાજસ્થાની ઘુમર, ડાંગ જિલ્લાનું ડાંગી નૃત્ય રજૂ થશે. તથા બારોટ તુરી સમાજનું બેડા નૃત્ય, કેરવાનો વેશ વગેરે પણ રજૂ કરવામાં આવ્યુ હતુ.