પાલનપુરઃ બનાસકાંઠાનો સમાવેશ પછાત જિલ્લામાં થાય છે. જિલ્લાના ખેડુતો ખૂબજ મહેનતું હોવાથી કૃષિ ઉત્પાદન પણ સારૂએવું મેળવી રહ્યા છે. આ વખતે સારા વરસાદને કારણે જિલ્લામાં રવિપાકનું સારૂએવું ઉત્પાદન થયુ છે. જેમાં રાયડાના ટેકાના ભાવ નક્કી કર્યા તેના કરતાં માર્કેટમાં ખેડૂતોને વધુ ભાવ મળતો હોઇ વાવ માર્કેટયાર્ડમાં રાયડાનો 20 કિલોના ભાવ રૂ.1300 ઉપર જતાં રોજીદા વાવ માર્કેટમાં 5 હજારથી વધુ બોરીની આવક થતા માર્કેટ માલથી ઉભરાઈ રહ્યું છે. ચાલુ સાલે રાયડાના 20 કિલોના રૂપિયા 1300ની ઉપરનો ભાવ મળતો હોઇ મોટા પ્રમાણમાં માર્કેટમાં માલ આવી રહ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ બનાસકાંઠાના વાવના માર્કેટ યાર્ડમાં કૃષિ જણસોની સારીએવી આવક થઈ રહી છે. આમ તો વાવ પંથક સરહદી તાલુકો છે, અને સિંચાઈના પાણીની પુરતી સુવિધા નથી. છતાં ખેડુતોએ રાયડાની ખેતી કરીને સારૂએવું ઉત્પાદન મેળવ્યું છે. વાવના માર્કેટ યાર્ડમાં જિલ્લાના અન્ય તાલુકામાંથી પણ ખેડુતો કૃષિ જણસો વેચવા માટે આવી રહ્યા છે. વાવ માર્કેટના હિરજીભાઈએ જણાવ્યું હતું કે ‘ખેડૂતોને પોષણયુક્ત ભાવો મળી રહ્યા છે, હાલ રાયડામાં 1300 ઉપરનો તેમજ સારા જીરાનો રૂપિયા 4100 ઉપર ભાવ મળે છે. રોજિંદા રાયડાની 5 હજારથી વધુ અને જીરાની 500 થી 700 બોરીની આવક થઈ રહી છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, વાવ તાલુકામાં જીરા, રાયડો અને ઈસબગુલ સહિત અનેક પાકનું ઉત્પાદન સારૂ એવું થાય છે આ વર્ષે શિયાળામાં ઠંડી વધારે પડતા રવિપાકને ફાયદો થયો હતો. આ ઉપરાંત સરહદી યાત્રાધામ ઢીમા વિસ્તારમાં લીલાં શાકભાજી જેવાં કે મૂળા,મેથી,લીલાં મરચાં,ગાજર,લીલાં ધાણા જેવી અનેક શાકભાજીનું વાવેતર પણ સારા પ્રમાણમાં કરાયું હતું.