વીર બાળ દિવસ ભારતીયતાની રક્ષા માટે કંઈ પણ કરી જવાનું પ્રતિક છેઃ પીએમ મોદી
નવી દિલ્હીઃ દિલ્હી સ્થિત ભારત મંડપમમાં આજે વીર બાળ દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ થયાં હતા. આ કાર્યક્રમમાં પીએમ મોદીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ્રે પીએમ મોદીએ જણાવ્યું હતું કે, વીર બાળ દિવસ ભારતીયતાની રક્ષા માટે કોઈ પણ હદ સુધી જવાનું પ્રતિક છે. ગયા વર્ષે પ્રથમવાર 26મી ડિસેમ્બરના રોજ વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે સમગ્ર દેશમાં તમામ લોકો સાહિબજાદાઓની વીર ગાથાઓ સાંભળીને ભાવ વિભોર થઈ ગયા હતા. વીર બાળ દિવસ ભારતીયતાની રક્ષા માટે કંઈ પણ કરી જવાનું પ્રતિક છે અને તે યાદ અપાવે છે કે, શૌર્યની પરાકાષ્ઠા સમયે ઓછી ઉંમર પણ કોઈ મહત્વ રાખતી નથી.
પીએમ મોદીએ કહ્યું હતું કે, આજે દુનિયાના સૌથી વધારે યુવાનો ધરાવતા દેશોમાં ભારતનો સમાવેશ થાય છે. આટલા યુવાનો ભારતની આઝાદીની લડાઈ સમયે પણ ન હતા. તે સમયની યુવાશક્તિએ આઝાદી અપાવી તો આજની યુવાશક્તિ દેશને કંઈ ઉંચાઈ ઉપર લઈ જશે તેની કલ્પના કરવી પણ શક્ય નથી. આપણે આ માટીની આન-બાન અને શાન માટે જીવવાનું છે આપણે દેશને વધારે સારો બનાવવા માટે જીવવાનું છે. આપણે આ મહાન રાષ્ટ્રના સંતાનની માફક દેશને વિકસીત બનાવવા જીવવાનું છે, એકત્ર થવાનું છે, લડવાનું છે અને જીતવાનું છે.
તેમણે વધુમાં કહ્યું કે, આજનું ભારત ગુલામીની માનસિકતામાંથી બહાર નીકળી રહ્યું છે. આજના ભારતમાં પોતાના લોકો ઉપર, પોતાના સામર્થ્ય ઉપર, પોતાની પ્રેરણા ઉપર પુરો ભરોસો છે. આજના ભારત માટે સાહિબજાદાઓનું બલિદાન રાષ્ટ્રીય પ્રેરણાનો વિષય છે.